BREAKING NEWS

સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ પીધું, બંનેના કરૂણ મોત

  • June 02, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાના યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ચાર મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યા છે. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના અને ગંભીર ડિપ્રેશનના કારણે માતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હસતો-રમતો પરિવાર ક્ષણભરમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી ૨૯ વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા રીશાનને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરાના જન્મથી ભારે ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી અને અંતે એક કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ હતી.

સ્થાનિક સૂત્રો અને કૌટુંબિક વિગતો અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની યોગ્ય તબીબી સારવાર તથા દવાઓ પણ ચાલી રહી હતી. તબીબી ભાષામાં જેને 'પોસ્ટપાર્ટમ ડિપ્રેશન' (ડિલિવરી પછી થતો માનસિક તણાવ) કહેવાય છે, તેના કારણે બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેની તબિયત સતત લથડતી જતી હોવાથી પરિવાર પણ ભારે ચિંતામાં હતો. માનસિક તણાવ અને ડિપ્રેશન એટલું બધું વધી ગયું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ બિલકુલ છોડી દીધું હતું.

ગઈકાલે સાંજના સમયે આ હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. ધારા પોતાના ચાર મહિનાના માસૂમ દીકરા રીશાન મનીષભાઈ કોટડીયાને તેડીને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા કોમન શૌચાલયમાં જઈને તેણે પહેલા પોતાના કાળજાના ટુકડા એવા ચાર મહિનાના માસૂમ રીશાનને એસિડ પીવડાવી દીધું હતું. માસૂમ બાળક કંઈ સમજે તે પહેલાં જ ધારાએ પોતે પણ તે જ એસિડ ગટગટાવી લીધું હતું.

શૌચાલયમાંથી અવાજ આવતા અને ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તેમજ પરિવારજનો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં માતા અને પુત્ર બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, એસિડ શરીરના આંતરિક અંગોમાં ફરી વળતાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક રીશાન અને માતા ધારા બંનેના હોસ્પિટલના બિછાને જ કરૂણ મોત નીપજ્યા હતા.

એકસાથે માતા અને ચાર મહિનાના માસૂમના મોતના પગલે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિલિવરી પછી થતા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કારણે જ આ ભયાનક પગલું ભરાયું છે કે તેની પાછળ અન્ય કોઈ કૌટુંબિક કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
----

ચહલપહલથી ધમધમતો જાહેર રસ્તો, પસાર થતા અનેક વાહનો અને રાહદારીઓની નજર...આ બધાની વચ્ચે અચાનક ચીસાચીસ થાય છે અને ગણતરીની મિનિટોમાં જ રસ્તો લોહીથી લથપથ થઈ જાય છે. અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર કાયદાના લીરેલીરા ઉડાડતો એક એવો લોહિયાળ ખેલ ખેલાયો, જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. એક યુવકની સરેઆમ ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

મેઘાણી નગર ના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક યુવક પર અજાણ્યા હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરોના મનમાં પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ, તેમણે ધોળા દિવસે અને જાહેર જનતાની હાજરીમાં જ તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકને સંભાળવાની તક પણ ન મળી અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ સનસનીખેજ હત્યાકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાય છે. ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા.

આ ઘટનાએ અમદાવાદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગના દાવા પર એક મોટું પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે મેઘાણી નગર નો વ્યસ્ત રોડ છે. સવાલ ઊભો થાય છે કે જાહેર રોડ પર આ પ્રકારે બેખૌફ બનીને હત્યા કરવાનું સાહસ ગુનેગારોમાં ક્યાંથી આવે છે? ધોળા દિવસે આ પ્રકારે આચરાયેલો ગુનો એ સાબિત કરે છે કે અસામાજિક તત્વોમાં 'ખાખી'નો કોઈ ખોફ રહ્યો નથી. આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકો હવે તે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે.


જાહેર રોડ પર હત્યાની જાણ થતાં જ મેઘાણી નગર પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એકત્રિત થયેલા ટોળાંને વિખેરી નાખ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ સીનને કોર્ડન કરી, જરૂરી પુરાવા એકત્રિત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ હત્યા પાછળનું કારણ શું હતું? કોઈ જૂની અદાવત, અંગત અણબનાવ કે પછી કોઈ તત્કાલીન ઝઘડો? આ તમામ દિશાઓમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના CCTV ફૂટેજ પણ ખંગોળવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, કાયદો અને વ્યવસ્થાની આબરૂ ધૂળમાં મેળવનારા આ બેખૌફ હત્યારાઓને અમદાવાદ પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application