ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ પરિસરમાંથી વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ચાર પરપ્રાંતીય શ્રમિકોને કાચબા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, વાઈ (એપિલેપ્સી)ની બીમારી કાચબો ખાવાથી મટી જાય છે તેવી વ્યાપક અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાના કારણે આ શ્રમિકોએ ખાવા માટે કાચબાનું શાક બનાવ્યું હતું. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આશ્ચર્ય અને રોષ વ્યાપી ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર એરપોર્ટ ખાતે છેલ્લા કેટલાક સમયથી કન્સ્ટ્રક્શન (બાંધકામ) પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જેમાં બિહારના કેટલાક પરપ્રાંતીય શ્રમિકો મજૂરી કામ અર્થે રોકાયેલા છે. આ મજૂરો પૈકીનો એક શ્રમિક વાઈ (એપિલેપ્સી)ની ગંભીર બીમારીથી પીડાતો હતો. તેને કોઈએ એવી ખોટી સલાહ આપી હતી કે કાચબો મારીને તેનું માંસ ખાવાથી આ બીમારી હંમેશા માટે મટી જાય છે. આ અંધશ્રદ્ધામાં આવીને તે શ્રમિક ક્યાંકથી બે કાચબા પકડી લાવ્યો હતો. તેમાંથી એક કાચબાને મારી, તેના માંસનું શાક બનાવીને મજૂરો ખાય તે પહેલાં જ વન વિભાગની ટીમ ત્યાં ત્રાટકી હતી.
ભાવનગર વન વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે એરપોર્ટ વિસ્તારના કન્સ્ટ્રક્શન સાઇટ પર વન્ય પ્રાણીનો શિકાર થઈ રહ્યો છે. બાતમી મળતા જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જી.ગલાણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગે પાડેલા આ દરોડા દરમિયાન સ્થળ પરથી એક જીવંત કાચબો અને એક બાફેલો તેમજ રાંધેલો કાચબો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એફએસએલ (FSL) ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર અને સરકારી પંચોની હાજરી બોલાવી સ્થળ તપાસ કરી તમામ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો હતો.
આ ગુનામાં સંડોવાયેલા અને પકડાયેલા ચારેય આરોપીઓની ઓળખ રવિન પાસવાન, રામ પુકાર પાસવાન, આનંદકુમાર મહંતો અને વિજયકુમાર મહંતો તરીકે થઈ છે. આ ચારેય મૂળ બિહારના વતની છે. વન વિભાગે મુખ્ય આરોપી સહિત તેને આ કૃત્યમાં મદદગારી કરનારા અન્ય ત્રણ શ્રમિકોને કસ્ટડીમાં લીધા છે. જીવંત કાચબાને મુક્ત કરાવી વન વિભાગે ચારેય આરોપીઓ વિરુદ્ધ 'વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨' (સુધારા અધિનિયમ ૨૦૨૨) ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને તમામ કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વન વિભાગ દ્વારા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર નેટવર્કની તપાસ માટે કોર્ટ પાસે આરોપીઓના ૩ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જે અંગેનો નિર્ણય હવે કોર્ટ દ્વારા લેવામાં આવશે. આ શર્મનાક ઘટના બાદ વન વિભાગે જનતાને ખાસ અપીલ કરી છે કે, આવી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે તબીબી આધાર વગરની ખોટી વાતોમાં દોરવાઈ જવું નહીં. વન્ય પ્રાણીઓને હેરાન કરવા કે તેમનો શિકાર કરવો એ જામીનપાત્ર ન હોય તેવો ગંભીર ગુનો છે. પ્રકૃતિના આ અણમોલ વારસાનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે.