જૂનાગઢની વતની અને રાજકોટમાં રહી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી એક તરૂણીને પ્રેમજાળમાં ફસાવી, તેના પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ સગીરાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ધરાર ગર્ભપાતની દવાઓ ખવડાવી દીધી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી અને તેના સાગરીતની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢની વતની અને હાલ રાજકોટમાં આવેલ એક છાત્રાલયમાં રહી ધો.૧૨ માં અભ્યાસ કરતી તરુણીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જુનાગઢના માળિયા હાટીના તાલુકાના કાત્રાસા ગામના એક શખસ અને રાજકોટમાં ધરમનગરના ક્વાર્ટરમાં રહેતાં તેના ભત્રીજાનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પીડિત સગીરા અગાઉ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તેની સાથે જ અભ્યાસ કરતા જૂનાગઢના કાત્રાસા ગામના શખસ સાથે તેનો પરીચય થયો હતો. આ શખસે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી ગઈ હતી અને અહીં એક કન્યા છાત્રાલય (હોસ્ટેલ)માં રહીને ધોરણ ૧૨નો અભ્યાસ કરતી હતી. નરાધમ શખસને જેવી જાણ થઈ કે સગીરા રાજકોટ રહે છે, કે તરત જ તે સગીરાનો પીછો કરતો રાજકોટ દોડી આવ્યો હતો.
જે બાદ ગઈ તા.૦૮-૦૩-૨૦૨૬ થી રાજકોટ આવેલા આ નરાધમે પોતાના ધરમનગર વિસ્તારમાં રહેતા ભત્રીજાનો સંપર્ક કર્યો હતો. સગીરાને લલચાવી-ફોસલાવીને તે ધરમનગરમાં આવેલા ભત્રીજાના સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો. અહીં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર કુકર્મ આચરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ અંગે આરોપીને જણાવ્યું ત્યારે નરાધમોએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો.
ગર્ભ રહી જતાં ગભરાયેલા મુખ્ય આરોપી અને તેના ભત્રીજાએ પાપ છુપાવવા માટે સગીરાના કેટલાક બીભત્સ ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપીને સગીરાને ડરાવી હતી. બાદમાં ધરાર ગર્ભપાત કરાવવાની દવાઓ પીવડાવી ગર્ભ પડાવી નાંખ્યો હતો. જેના લીધે સગીરાની તબિયત લથડી હતી.
અંતે સગીરાએ હિંમત પરિવારને આપવીતી જણાવતા તેઓ ચોંકી ગયા હતાં.બાદમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદના આધારે તાકીદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સગીર વયની બાળકી પર અત્યાચાર બદલ પોક્સો એક્ટ, દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ સી. એન.દવે અને ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અને તેને સાથ આપનાર તેના ભત્રીજા બંનેની ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.