BREAKING NEWS

માથાને છૂંદી નાંખ્યુંઃ સ્કૂટરે બાઇકને ઠોકર મારતા ટ્રકના વ્હીલમાં ઘુસી ગયું, પુત્રની નજર સામે માતાનું મોત; રાજકોટમાં સવારમાં જ કરૂણાંતિકા સર્જાઈ

  • July 16, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની ભાગોળે તો ઠીક પરંતુ સીટી વિસ્તારમાં પણ જીવલેણ અકસ્માતની ઘટનાઓ બની રહી છે છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર ટ્રાફિક નિયમોના નામે કોઈ દાખલારૂપ કામગીરી કરી હોય તેવું હજુ સુધી જોવા મળ્યું નથી, જેના કારણે દિવસેને દિવસે માતેલા સાંઢ માફક દોડતા વાહનો જીવલેણ અકસ્માતો સર્જી રહ્યા છે. હજુ બે દિવસ પૂર્વે માધાપર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરની ઠોકરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવના ત્રીજા દિવસે આજે સવારે જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ નજીક જ્યુપિટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ડમ્પરના જોટામાં ઘુસી જતા તોતિંગ વ્હીલ મહિલા ઉપર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું જયારે બાઈક ચાલક પુત્ર અને જ્યુપિટર ચાલકને ઇજા થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં જ્યુપિટર ચાલકની હાલત ગંભીર જણાઈ રહી છે. ઘટનાના પગલે સવારમાં લોકોના ટોળા એકઠા થયા હતા બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ જંકશનના ગાયકવાડી-5માં રહેતા સમીર ઈમ્તિયાઝભાઈ દલ (ઉ.વ.22) તેમના માતા શહેનાઝબેન (ઉ.વ.39)ના આજે સવારે આઠેક વાગ્યે ઘરેથી બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે જામનગર રોડ પર સીએલએફ ક્વાર્ટર પાસે પહોંચતા જ્યુપિટર ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક સ્લિપ થઈ આગળ જઈ રહેલા ડમ્પરના જોટામાં ઘુસી જતા તોતિંગ વ્હીલ શહેનાઝબેન ઉપર ફરી વળતા કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પુત્ર સમીર અને જ્યુપિટર ચાલક સુમિત ગોરધનભાઈ કોઠીયા (ઉ.વ.35-રહે-80 ફૂટ રોડ, શાનદાર રેસીડેન્સી)ને ઇજા થવાથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ઘટનાની જાણ પોલીસ અને 108ને કરવામાં આવતા પ્ર.નગર પોલીસ બનાવ સ્થળે પહોંચી જરૂરી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.


મૃતક શહેનાઝબેન સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને આજે સવારે પુત્ર સમીર તેમને નોકરીએ મુકવા માટે જતો હતો. દરમિયાન જ્યુપિટર ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક બાજુમાંથી જઈ રહેલા ડમ્પર નીચે ઘુસી જતા ડમ્પરની વ્હીલ મહિલા ઉપર ફરી વળ્યું હતું. બનાવ અંગે પ્ર,નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application