દેશનું ફૂડ સિક્યુરિટી નેટવર્ક અથવા પરંપરાગત રાશન સિસ્ટમ (પીડીએસ) હવે તેની જૂની અને પરંપરાગત રીતોથી મુક્ત થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશની રેશનિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ અને સ્માર્ટ બનાવવા માટે ગઈકાલે રૂ. ૨૫,૫૩૦ કરોડની 'સાર્થક પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોજના'ને મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક યોજનાથી સરકારની રાશન યોજનાનો લાભ મેળવતા દેશના આશરે ૮૦ કરોડ નાગરિકોના જીવન પર સીધી અને સકારાત્મક અસર પડશે. સરકારનો ઉદ્દેશ્ય હાલની રેશન સિસ્ટમને નાબૂદ કરવાનો નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા તેને વધુ ઝડપી, પારદર્શક, સચોટ અને અસરકારક બનાવવાનો છે.
કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે આ માત્ર કોઈ સામાન્ય નવી યોજના નથી, પરંતુ સમગ્ર પીડીએસ સિસ્ટમમાં એક મોટો માળખાકીય અને ક્રાંતિકારી સુધારો છે.
હાલમાં ઘણા રાજ્યોમાં રાશન ડિલિવરીમાં વિલંબ થવો, વિતરણમાં અનિયમિતતા અને અનાજની ચોરી કે લીકેજ જેવી ગંભીર ફરિયાદો સામે આવતી રહે છે. નવી વ્યવસ્થા હેઠળ આ તમામ સમસ્યાઓ જડમૂળથી દૂર થશે. સરકારે આ યોજનાને મુખ્યત્વે ત્રણ વ્યાપક ભાગોમાં વહેંચી છે. પ્રથમ ભાગ હેઠળ એઆઇ-આધારિત, રીઅલ-ટાઇમ લાભાર્થી રજિસ્ટ્રી તૈયાર કરાશે. આ સિસ્ટમ વિવિધ સરકારી યોજનાઓના ડેટાને પરસ્પર લિંક કરશે, જેથી ડુપ્લિકેટ કે ખોટા લાભાર્થીઓને સરળતાથી ઓળખી શકાશે અને અનાજ માત્ર સાચા જરૂરિયાતમંદો સુધી જ પહોંચશે.
બીજા ભાગમાં નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે એક સક્ષમ ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે. આ પ્લેટફોર્મ એઆઇ-આધારિત ચેટબોટ અને વોટ્સએપ ઇન્ટિગ્રેશન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. સરકારના દાવા મુજબ આ હાઇટેક સિસ્ટમ દરરોજ અંદાજે ૩,૦,૦,૦૦૦ જેટલી ફરિયાદો અને પ્રશ્નોનું સફળતાપૂર્વક સંચાલન કરી શકશે. પરિણામે, સામાન્ય જનતાને રાશન સંબંધિત સમસ્યાઓ કે પૂછપરછ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
ત્રીજો અને મહત્વનો ભાગ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમનો છે. આ અંતર્ગત ક્યુઆર કોડ ટ્રેકિંગ, વાહનોનું લાઈવ લોકેશન અને અનાજની માંગની આગોતરી આગાહી જેવી સુવિધાઓ સામેલ કરાશે. ગોડાઉનથી નીકળેલું અનાજ ક્યાં પહોંચ્યું તેની પળેપળની માહિતી મળશે. આ સિસ્ટમથી રાશન પરિવહનનું અંતર ૧૫ થી ૫૦ ટકા જેટલું ઘટાડી શકાશે, જેનાથી સરકારી ખર્ચમાં મોટો બચાવ થશે અને કામગીરી અત્યંત ઝડપી બનશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ નવી સ્માર્ટ વ્યવસ્થાથી રાજ્ય સરકારોની કામગીરી પણ હળવી થશે અને અનાજ વ્યવસ્થાપન ખૂબ જ સરળ બની જશે. કેબિનેટ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદલાતા આબોહવા પરિવર્તનના પડકારો પર પણ વિશેષ ચર્ચા કરી હતી. સરકારનું દ્રઢપણે માનવું છે કે ભવિષ્યના આવા પર્યાવરણીય પડકારો વચ્ચે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજી આધારિત આધુનિક પ્રણાલીઓ જ એકમાત્ર શ્રેષ્ઠ માર્ગ છે.