ઉલ્ટી ગંગાઃ રાજકોટમાં પત્ની-સાસુએ મળી પતિ અને તેના માતાને ધોકે ધોકે ઢીબી નાખ્યા
ઉલ્ટી ગંગાઃ રાજકોટમાં પત્ની-સાસુએ મળી પતિ અને તેના માતાને ધોકે ધોકે ઢીબી નાખ્યા
July 06, 2026 11:49 AM
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ગુરુકુળ નજીક જિમ્મી ટાવર પાસેના લોહાનગરમાં રહેતા શૈલેષભાઇ રમેશભાઈ મકવાણા (ઉ.વ.34)ના ગત તા.29ના સાંજે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે વિશ્વનગર આવાસ ક્વાર્ટરમાં માવતરના ઘરે રહેતી પત્ની વર્ષા અને તેની માતા રમાબેન ગોવિંદભાઈ રાઠોડ આવ્યા હતા અને દરવાજા પાસે ઊભીને ગાળો આપવા લાગતા શૈલેષભાઈના માતા વસંતબેને ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ ધોકા વડે મારમારવા લાગ્યા હતા. આથી માતાને છોડાવવા વચ્ચે પડેલા શૈલેષભાઈને પણ પત્ની અને સાસુએ ધોકા વડે મારામારી ધક્કો મારતા તે પડી ગયા હતા, શરીરે મૂંઢ ઇજા થવાથી 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે શૈલેષભાઇની ફરિયાદના આધારે પત્ની વર્ષા અને સાસુ રમાબેન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી શૈલેષભાઈએ 15 વર્ષ પૂર્વે વર્ષાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે તે આગલા ઘરની દીકરીને સાથે લાવી હતી અને જે બાદ એક પુત્ર છે, દંપતી વચ્ચે અવાર નવાર ઝગડાઓ થતા પત્ની રિસામણે ચાલી ગઈ હતી. તા.29ના દીકરીને તેડવા માટે આવી હતી ત્યારે માથાકૂટ થઇ હોવાનું પોલીસમાં જણાવ્યું છે.