વ્લાદિમીર પુતિનના રશિયામાં એલેક્સી નવેલની અને પ્રિગોઝિન જેવા શક્તિશાળી વિરોધીઓનો અંત આવ્યો છે, પરંતુ અત્યારે રશિયાની જાણીતી મોડલ અને વીડિયો બ્લોગર વિક્ટોરિયા બોન્યાએ પુતિનને સીધો પડકાર ફેંક્યો છે. બોન્યાએ રશિયાની આંતરિક સમસ્યાઓ પર કરેલી ટીકાનો વીડિયો વાયરલ થયા બાદ ક્રેમલિન દ્વારા સત્તાવાર રીતે સુધારાની વાત સ્વીકારવામાં આવી છે.
"લોકો તમારાથી ડરે છે, પણ હું બોલીશ"
વિક્ટોરિયા બોન્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં સીધું જ પુતિનને સંબોધીને કહ્યું કે, "રાષ્ટ્રપતિ, લોકો તમારાથી ડરે છે એટલે કશું બોલતા નથી, પણ હું હિંમત કરી રહી છું." તેણે રશિયાની જનતા જે પાયાની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેની યાદી રજૂ કરી હતી. દેગેસ્તાનમાં પૂર, કાળા સમુદ્રના કિનારે તેલનું પ્રદૂષણ અને સાઇબિરીયામાં પ્રાણીઓનો બેફામ શિકાર. તેમજ વધતી જતી મોંઘવારી, ટેક્સનો બોજ અને ઇન્ટરનેટ બ્લેકઆઉટને કારણે નાના વ્યવસાયો પર આવતું દબાણ. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર માત્ર થોડા જ સમયમાં 26 મિલિયન (2.6 કરોડ) વ્યૂઝ મળ્યા હતા, જેનાથી પુતિન પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.
ક્રેમલિનનો અભૂતપૂર્વ પ્રતિસાદ
સામાન્ય રીતે પુતિનના ટીકાકારોને 'પાગલ' જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ વિક્ટોરિયાની લોકપ્રિયતાને જોતા પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે નિવેદન આપવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, "અમે આ મુદ્દાઓથી વાકેફ છીએ અને તેના પર સતત કામ કરી રહ્યા છીએ." રશિયાના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે સરકારે કોઈ મોડલની ટીકાને જાહેરમાં સ્વીકારીને કામગીરીની ખાતરી આપી હોય.
કોણ છે વિક્ટોરિયા બોન્યા?
46 વર્ષીય વિક્ટોરિયા રશિયાની ખૂબ જ લોકપ્રિય મોડલ અને બ્લોગર છે. તેને 2006માં રિયાલિટી શો 'ડોમ-2' થી દેશવ્યાપી પ્રસિદ્ધિ મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 13 મિલિયન (1.3 કરોડ) ફોલોઅર્સ છે. મહત્વનું છે કે મોડલિંગમાં આવતા પહેલા તેણે વેઈટ્રેસ અને રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. તે મૂળ પત્રકાર બનવા માંગતી હતી પરંતુ બાદમાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ ગઈ.