માત્ર તીખું તળેલું ખાવાથી જ એસીડીટી થાય છે તેવું કોને કહ્યું? મોબાઈલ પણ છે એસીડીટી થવાનું કારણ

  • August 05, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં 10માંથી 7 લોકો એસિડિટીથી પીડાય છે અને મોટાભાગના લોકો દરરોજ એસિડિટીની ફરિયાદ કરે છે. એસિડિટી અને છાતીમાં બળતરા યોગ્ય પાચન સંબંધિત રોગોમાં ટોચના સ્થાને છે હેલ્ધી અને અનહેલ્ધી ફૂડ પ્રત્યેના તેમના પ્રેમના કારણે તેઓ એસિડિટીથી પીડાય છે, તેમ એક સ્ટડીમાં બહાર આવ્યું છે. જોકે, માત્ર ખોરાક જ નહીં એસિડિટીના બીજા પણ કારણો છે તેમ ડૉક્ટરોએ એસિડીટીને લગતાં એક વર્કશોપમાં જણાવ્યું હતું. એસિડિટી થવાનું એક કારણ મોબાઈલ ફોન પણ છે. વર્ચ્યુઅલ રિયાલિટીમાં રચ્યાપચ્યા રહેતા યુવાનો અને મિડલ એજના લોકો શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે તથા ફાસ્ટ અને ફેટી ફૂડ વધુ ખાય છે. જેના લીધે ગંભીર એસિડ રિફ્લક્સ થાય છે, તેમ ડૉક્ટરોએ કહ્યું.

એસિડ રિફ્લક્સને આપણે સામાન્ય ભાષમાં એસિડિટી કહીએ છીએ. જઠરનું અતિ જલદ એસિડ અન્નનળીમાં પાછું  ઠેલાય છે અને તેના લીધે છાતીના નીચેના ભાગમાં બળતરા થાય છે. જઠરનું કામ અતિ જલદ એસિડ બનાવવાનું છે. જઠર અને અન્નનળી વચ્ચે વાલ્વ જેવી એક રચના હોય છે જેથી જઠરનું એસિડ અન્નનળીમાં આવતો નથી પરંતુ કોઈકવાર બહુ ભારે ખોરાક લીધો હોય કે તેલ-મરી-મસાલાયુતક્ત ખોરાક લીધો હોય તો વાલ્વ બરાબર કામ નથી કરતાં. જેના લીધે બળતરા થાય છે. એસિડિટીના લક્ષણોમાં બળતરા થવી, પેટ ફૂલી જવું, ગેસ, ઊલટી, ખોરાક ઉતારવામાં તકલીફ થવી, મોઢામાં કડવું પાણી ભરાઈ જવું છે.



મોબાઈલનો એસિડિટી સાથે શું સંબંધ છે એના વિશે પણ જાણી લઈએ. આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસીન અને ડાયાબિટોલોજીના પૂર્વ વડા અપૂર્બા કુમાર મુખર્જીના જણાવ્યા મુજબ મોબાઈલના લીધે થતો એસિડ ડિસઓર્ડર આજની નોકરિયાત યુવાન પેઢી અને વિદ્યાર્થીઓમાં સામાન્ય છે. "બંગાળમાં માછલીઓ, તળેલો-તીખો ખોરાક ખૂબ ખવાય છે અને ચા-કોફી તેમજ કાર્બોહાઈડ્રેટવાળા પીણાં પણ વધારે પડતા પીવાય છે અને તેના લીધે જ લાંબાગાળા સુધી કે કાયમી એસિડિટીની ફરિયાદ રહે છે. આપણું ડાયટ સ્વાસ્થ્યવર્ધક નહીં સ્વાદેન્દ્રિયોથી સંચાલિત છે. યુવાન પેઢી કામની વ્યસ્તતાને લીધે શારીરિક કસરતો માટે સમય નથી કાઢી શકતી તેમજ તેમનું મનોરંજન પણ મોબાઈલ પૂરતું જ સીમિત થઈ ગયું છે. તેઓ લાંબા સમય સુધી સોફામાં પડ્યા રહે છે અને મોબાઈલ પર સમય વિતાવે છે. બીજી તરફ મિડલ એજ અને મોટી ઉંમરના લોકો સ્ટ્રેસ, ઊંઘની બદલાયેલી પેટર્ન અને અસંતુલિત ડાયટના લીધે એસિડિટીનો ભોગ બને છે


એસિડિટીના લક્ષણોને ઘણીવાર હૃદય સંબંધિત બીમારીના સમજી લેવામાં આવે છે. IPGMERની ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયો-વેસ્ક્યુલર ડિસીઝના ભૂતપૂર્વ ડાયરેક્ટર અરુપ દાસ બિશ્વાસે કહ્યું કે, "લોકો એસિડિટી અને હૃદય સંબંધિત બીમારી વચ્ચે ઘણીવાર મૂંઝવાઈ જાય છે. આ બંને બીમારી છાતીની આસપાસના ભાગમાં પીડા આપે છે અને તેના લીધે બંને વચ્ચે અંતર કરવું મુશ્કેલ થઈ જાય છે. જેના કારણે હાર્ટમાં તકલીફ હોય ત્યારે એસિડિટીની ગોળી લઈ લે એવું બને છે. જેથી જીવલેણ સાબિત થઈ શકે છે."




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application