BREAKING NEWS

સમજાવવા આવેલા શખસની હત્યાના કેસમાં વિકી બજરીયાને આજીવન કેદ

  • May 01, 2026 10:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : આ કેસના મુળ ફરીયાદી જાકીર ઉર્ફે ટપુ જાહિંદભાઈ જુણેજાની પોલીસ ફરિયાદ મુજબ, ગઈ તા. ૨૦/ ૦૬/૨૦૨૨ના રોજ માતાજીનો માંડવો હોય ફરીયાદી જાકીર કિટીપરા આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં રહેતા અને બાળકો માટે ભાગ વેચવાનો ધંધો કરતા તેના મિત્ર સુનીલભાઈ દેવીપુજકની દુકાનમાં બેસી ચા પીતા હતા, તે દરમ્યાન આરોપી વિકી અશોકભાઈ ઉર્ફે બજરીયો
ચોવસીયા દુકાન પાસે આવી ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીના એક્સેસ સ્કૂટરમાં લાતો મારીને ગાળો આપવા બાબતે ડખો થતા ફરીયાદીએ તેના મોટા બાપુના દિકરા આસીફ જુણેજને વિકીને સમજાવવા માટે ફોન કરીને બોલાવતા તેને સમજાવવા માટે ગયેલ ત્યારે આરોપી વિકીએ ઉશ્કેરાઈને તેના પેન્ટનાં નેફામાંથી છરી કાઢી આસીફને છાતીનાં ડાબા ભાગે મારી દીધેલ, તેમજ વિકી ફરીયાદી જાકીર તથા સુનીલ બન્ને સાથે ઝપા-ઝપી કરીને ભાગી છૂટયો હતો, વિકીનો મોબાઈલ આસીફને તાત્કાલિક રિક્ષામાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાતા ડોક્ટરે આસીફને મરણ ગયેલ જાહેર કરેલ. ત્યારબાદ ફરીયાદી જાકિરે સરકારી હોસ્પિટલમાં જ આ બાબતની ફરિયાદ નોંધાવતા, પ્ર.નગર પોલીસે તપાસ હાથ ઘરી તા.૨૧/૦૬/ ૨૦૨૨નાં રોજ આરોપી વિકીની હત્યાના ગુનામાં ઘરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદી, નજરે જોનાર સહિત ૧૪ સાહેદ, ડૉકટર, સ્થાનિક જગ્યાના પંચનામાના પંચો, ઇન્કવેસ્ટ પંચનામાના પંચો તથા એફ.એસ.એલ. રિપોર્ટ, પી.એમ. રિપોર્ટ, ૩૫ દસ્તાવેજી સહિતના એકબીજાને સાંકળતા પુરાવાઓથી ફરીયાદ મુજબના બનાવને સમર્થન મળેલ હોવાની તેમજ આરોપીએ બનાવમાં ઉપયોગ લીધેલ છરી આરોપીએ ડિસ્કવરી પંચનામા દરમ્યાન પોતાના ઘર પાસે જે જગ્યાએ હતી તેમજ સદરહુ છરી ઉપર ગુજરનારનું લોહી મળી આવેલ હતું. તેમજ આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડાં ઉપર પણ ગુજરનારનું લોહી મળી આવેલ વગેરે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહની મૌખિક દલીલો તથા રજુ કરેલ વડી અદાલતોના ચુકાદાઓ તેમજ મુળ ફરીયાદી તરફે રોકાયેલ વકીલ હુસૈન હેરંજા તથા રવિ લાલ દ્વારા રજુ કરેલ લેખિત દલીલો તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાનમાં લઈને રાજકોટ એડિશનલ સેશન્સ જજ વી.કે.ભટ્ટ આરોપી વિકી ઉર્ફે બજરીયાને ખૂનનાં ગુન્હામાં તકસીરવાર ઠરાવી આજીવન કેદની સખત સજાનો હુકમ ફરમાવ્યો છે, આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ તથા મુળ ફરીયાદી જાકીર ઉર્ફે ટપુ જાહિદભાઈ જુણેજા તરફે રાજકોટના એડવોકેટ રૂપરાજ સિંહ ૫રમાર એસોસિએટસનાં હુસેનભાઈ હેરંજા તથા રવિભાઈ લાલ રોકાયા હતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application