વેનેઝુએલામાં ભૂકંપ બાદના દ્રશ્યો હૃદયકંપાવી દે તેવા છે. પ્રત્યાદર્શીઓના જણાવ્યા અનુસાર, આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો હતો. ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ધૂળના કાળાડિબાંગ ગુબાર હવામાં ઉડતા જોવા મળ્યા હતા. આ આપત્તિ વચ્ચે વેનેઝુએલાના કેટલાક ભાગોમાં સેલફોન નેટવર્ક અને સિગ્નલ સંપૂર્ણપણે ગાયબ થઈ જતાં પરિસ્થિતિ વધુ વણસી છે, જેના કારણે લોકો પોતાના પરિવારજનોનો સંપર્ક કરી શકતા નથી. વિદેશમાં રહેતા વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાદોએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ કપરા સમયમાં દેશવાસીઓને હિંમત, શાંતિ અને એકતા જાળવી રાખવા માટે અપીલ કરી છે.

ભૂકંપ બાદ ઇન્ટરનેટ સેવાઓ, વીજ પુરવઠો ઠપ્પ
વેનેઝુએલા ભૂકંપ લાઈવ: શક્તિશાળી ભૂકંપથી વેનેઝુએલામાં વીજળી અને ટેલિકોમ્યુનિકેશન માળખાને નુકસાન થયું છે, જેના કારણે રાજધાની કારાકાસ સહિત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં તીવ્ર ઘટાડો થયો છે. ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા નેટબ્લોક્સ અનુસાર, ભૂકંપને પગલે વેનેઝુએલામાં ઇન્ટરનેટ સેવાઓને ભારે અસર થઈ છે. રાજધાની કારાકાસ સહિત ઘણા વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં તીવ્ર ઘટાડો થયો છે.







