BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા રાજકોટ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી, ભાવ આસમાને; કોથમીરના રૂ.100, વટાણા 112 અને આદુના 120

  • July 02, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતાની સાથે આજથી જ રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં જબરો ઘટાડો નોંધાયો છે અને ભાવ લગભગ બમણાં થઇ ગયા છે. સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બનતા તેમજ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં ભારે વરસાદ વરસતા હાલ સ્થાનિક તેમજ આંતરરાજ્ય તેમ બન્ને આવકોમાં ઘટાડો નોંધાયો છે. તદ્ઉપરાંત હાલ સુધી તીવ્ર તાપ અને હવે વરસાદ વરસ્યાં બાદ ભેજ વધતા વાતાવરણમાં પલટાથી બગાડ પણ વધ્યો છે જેથી ભાવ ઝડપભેર વધ્યા છે તેમ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.

વિશેષમાં રાજકોટ યાર્ડના વેપારી વર્તુળોએ ઉમેર્યું હતું કે, આજની હરાજીમાં અમુક જણસીઓમાં ભાવ પ્રતિ કિલોના રૂ.૧૦૦ કે તેથી પણ વધુ બોલાયા હતા જેમાં મુખ્યત્વે કોથમીરના કિલોના રૂ.૧૦૦, વટાણાના રૂ.૧૧૨ અને આદુના રૂ.૧૨૦ના ભાવે સોદા થયા હતા. જ્યારે લીલા મરચાના પણ પ્રતિ કિલોના રૂ.૪૦થી ૫૦ના ભાવે સોદા થયા હતા. યાર્ડમાં હાલ સ્થાનિક વિસ્તારોમાંથી થતી આવકો ઘટી છે ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેર તેમજ કર્ણાટકના બેંગલોરથી થતી ટમેટાની આવક હિમાચલ પ્રદેશથી ફ્લાવરની આવક વિગેરે અન્ય રાજ્યોમાંથી થતી આવક પણ ઘટી ગઇ છે. અન્ય રાજ્યોમાં ભારે વરસાદ હોય ત્યાંથી ગુજરાત સુધી પહોંચવામાં વિલંબ થાય છે અને તેના કારણે બગાડનું પ્રમાણ વધ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થતા ત્યાંથી થતી આવકો પણ વિલંબિત થઇ રહી છે.જ્યારે સ્થાનિકે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ વરસતા તેમજ ચોમાસામાં વરસાદ ખેંચાતા પાણીની ઉપલબ્ધિના અભાવે ખેડૂતોએ શાકભાજીનું વાવેતર ઘટાડ્યું છે જેના કારણે આવકો ઘટી છે અને ભાવ વધ્યા છે.

રાજકોટ યાર્ડમાં આજના ભાવ


લીંબુ- ૨૦થી ૬૦

ટમેટા- ૨૦થી ૫૦

કોથમરી- ૮૦થી ૧૦૦

રીંગણા- ૧૦થી ૨૦

કોબીજ- ૨૦થી ૩૦

ફલાવર- ૨૦થી ૪૦

ભીંડો- ૨૦થી ૪૦

ગુવાર- ૨૦થી ૬૦

ચોળાસીંગ- ૩૦થી ૭૦

ટીંડોળા- ૨૦થી ૩૦

દુધી- ૧૦થી ૨૦

કારેલા- ૨૦થી ૪૦

તુરીયા- ૨૫થી ૪૦

કાકડી- ૧૫થી ૪૦

વટાણા- ૮૮થી ૧૧૨

ગલકા- ૨૦થી ૪૦

બીટ- ૩૦થી ૪૦

આદુ- ૯૮થી ૧૨૦

મરચા લીલા- ૪૦થી ૫૧



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application