શહેરમાં કાર સેવકોના ઘરે અને ધર્મસ્થાનોમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું વાજતે-ગાજતે સામૈયા પૂજન

  • December 30, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામજન્મ ભૂમિ તીર્થક્ષેત્રની અલગ અલગ ટીમોએ રામમંદિરની તસ્વીર સાથે લોકોને આપ્યું આમંત્રણ: રામભક્તોમાં ઉત્સાહની હેલી

છોટી કાશી ગણાતા જામનગરમાં આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણાધીન મંદિરમાં બરોબર બપોરે ૧૨ કલાક, ૨૯મિનિટ, ૪૩ સેક્ધડે ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર વિશ્વની સાથે જામનગર માં પણ અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતેથી અક્ષત કળશો આવેલ છે. જે અક્ષત કળશને જામનગરમાં વસતા અયોધ્યા ની શ્રીરામ જન્મભૂમિ આંદોલન દરમિયાન સકારાત્મક ભૂમિકા ભજવનાર કાર સેવકોના ઘરે વાજતે ગાજતે આસ્થાભેર સામૈયા કરી સ્વાગત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોના ધર્મસ્થાનોમાં પણ કાર સેવકો અને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના કાર્યકરો દ્વારા આ અક્ષત કળશ લઈ પહોંચતા ભાવિકો દ્વારા ઠેર ઠેર પુજન અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે.
જામનગરના વિવિધ વિસ્તાર, શેરી, મહોલ્લાઓમાં આગામી ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી દરમિયાન આ અક્ષત વિવિધ વિસ્તારોમાં પહોંચશે અને તેમાંથી અયોધ્યા ની તસ્વીર, શ્રી રામ જન્મભૂમિ મંદિર નો ફોટો અને અક્ષત દ્વારા રામ ભક્તોને આયોધ્યાનું આમંત્રણ આપવામાં આવશે. જેના માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અત્યારથી જ આ ટીમો વિવિધ વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ની ઐતિહાસિક ક્ષણને જામનગરમાં પણ વધાવવા માટે વિવિધ વિસ્તારોમાં રામધૂન, મહાઆરતી અને વિશાળ સ્કીન ઉપર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ ટેલિકાસ્ટના આયોજન કરાઈ રહ્યા છે અને અયોધ્યાની ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વધામણા કરવા જામનગરના રામભકતો પણ શ્રદ્ધાભેર આતુર જોવા મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application