રાજકોટમાં ૧૧૧, અમદાવાદમાં ૮૭, વડોદરામાં ૨૭ કેન્દ્રો ઉપર ૬૦૫૨૫ પરિક્ષાર્થીનું ભવિષ્ય દાવ ઉપર, મનપામાં ક્લાર્કની ભરતી પહેલા હોબાળો

  • May 01, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૪ મેને રવિવારે યોજાનારી રાજકોટ મહાપાલિકાના જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ૫૧૪ મ્યુનિ.કર્મચારીઓને એક્ઝામ સુપરવિઝન ડ્યુટી સોંપવા હુકમ કરાયો છે જેમાં બેદીવસીય કામગીરીના ટીએ-ડીએ પેટે પ્રતિ કર્મચારી દીઠ ફક્ત રૂ.૨૭૦ ચુકવવામાં આવનાર હોય ગાંઠના પૈસે ગોપીચંદન જેવી સ્થિતિનું નિર્માણ થતા આજે જેમને એક્ઝામ ડ્યુટી સોંપાઇ છે. તેવા ૫૧૪ કર્મચારીઓ વિફર્યા હતા અને યુનિયનની આગેવાનીમાં કમિશનર બ્રાન્ચમાં ધસી આવ્યા હતા. તેમજ ડેપ્યુટી કમિશનર આસિ.કમિશનર સહિતનાઓને આક્રમક રજુઆત કરી હતી.


કર્મચારીઓએ એવી રજુઆત કરી હતી કે ફક્ત રૂ.૨૭૦ના ટીએ-ડીએમાં ભરતી પરીક્ષામાં સુપરવિઝનની બેદીવસીય કામગીરી સોંપવામાં આવી છે. જો એસટી બસમાં રાજકોટથી અમદાવાદ કે વડોદરા જઇએ અને બસ સ્ટેશન ઉપર ઉતરી ઓટો રિક્ષામાં પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચીએ તેનો ખર્ચ રૂ.૨૭૦ થઇ જાય છે! તદઉપરાંત પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્ર ઉપર ચાર્જ સંભાળવાનો હોય આવવા જવાનું બસ ભાડું, ઓટો રીક્ષા ભાડું ઉપરાંત રાત્રી રોકાણનો હોટેલ ખર્ચ તેમજ બે દિવસનો ચાર વખતનો ભોજન ખર્ચ સહિતનો કુલ ખર્ચ અંદાજે રૂ.૩૦૦૦ જેવો થાય છે ત્યારે ફક્ત રૂ.૨૭૦માં આપીને કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. 


ખાસ કરીને અગાઉ લેવાયેલી આઠથી દસ ભરતી પરીક્ષાનું ટીએડીએ કે માનદ વેતન પણ હજુ સુધી ચૂકવાયું ન હોય આ મામલે પણ યોગ્ય કરવા ડેપ્યુટી કમિશનર અને આસિ.કમિશનર ને લેખિત રજુઆત કરાઇ હતી. વિશેષમાં એવી રજુઆત કરાઇ હતી કે સરકારી ધારાધોરણ મુજબ જો ૨૭૦ ચુકવતા હોય તો પણ આ રકમ ખૂબ ઓછી હોય આ પેટનો ખર્ચ માનદ વેતન તરીકે વ્યાખ્યાયિત કરીને ૨૭૦થી વધુ રકમ ચૂકવવા માંગ કરાઇ હતી. ઉપરોક્ત રજુઆત વેળાએ રાજકોટ મહાપાલિકા કર્મચારી પરિષદ યુનિયનના નેજા હેઠળ પ્રમુખ કશ્યપભાઈ શુક્લ તેમજ જ્યેન્દ્રભાઇ મહેતા, મૌલેશભાઇ વ્યાસ, પ્રેરીતભાઈ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કની ૧૨૮ જગ્યાઓ માટે રાજકોટમાં ૧૧૧, અમદાવાદમાં ૮૭ અને વડોદરામાં ૨૭ કેન્દ્રો સહિત કુલ ૨૨૫ કેન્દ્રો ઉપર ભરતી પરીક્ષા લેવાશે જેમાં કુલ ૬૦૫૨૫ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application