સુરતમા ન્યાયનું મંદિર ગણાતી કોર્ટના પરિસરમાં આજે એક એવી ઘટના બની કે જેનાથી કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આવેલી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણના કેસમાં આવેલા એક વૃદ્ધ પતિએ પોતાની જ પત્ની પર કોર્ટમાં એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા કોર્ટ પરિસરમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં બંન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૬૫થી ૭૦ વર્ષની વયના એક વૃદ્ધ દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ ચાલતો હતો. આ મામલે પત્ની દ્વારા ભરણપોષણ (ખોરાકી) અને છૂટાછેડાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે જ્યારે બંને પક્ષો કોર્ટ નંબર છમાં સુનાવણી માટે હાજર રહ્યા હતા, ત્યારે આ આઘાતજનક કિસ્સો બન્યો હતો. કોર્ટની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ પાછળની બેન્ચ પર બેઠેલા પતિએ અચાનક બોટલમાંથી પત્નીના ચહેરા પર એસિડ ફેંકવાનું શરૂ કર્યું હતું.
આ ઘટના સમયે ત્યાં હાજર મહિલા વકીલે ભયાનક દ્રશ્યોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, અમે આગળની હરોળમાં બેઠા હતા અને અમારી બરાબર પાછળ જ આ મહિલા બેઠા હતા. અચાનક પાછળથી ચીસાચીસ સંભળાઈ અને એસિડની તીવ્ર વાસ આવવા લાગી. જ્યારે અમે પાછળ ફરીને જોયું તો પતિ તેની પત્ની પર એસિડ નાખી રહ્યો હતો. એસિડના છાંટા અમારી ઉપર પણ ઉડ્યા હતા જેનાથી અમને બળતરા થવા લાગી હતી. મહિલાની એક આંખ સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી અને તે પીડાથી તરફડી રહી હતી.
અન્ય એક વકીલે જણાવ્યું કે, અમે જ્યારે કોર્ટમાં બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી. બંનેની ઉંમર જોતા કોઈને અંદાજ પણ નહોતો કે આવી હિંસક ઘટના બની શકે છે. મહિલાને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
પત્ની પર એસિડ એટેક કર્યા બાદ ગભરાયેલા અથવા પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પતિએ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ કોર્ટના સુરક્ષાકર્મીઓ અને પોલીસ દોડી આવી હતી. તાત્કાલિક ધોરણે દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર, મહિલાના ચહેરા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પતિની હાલત પણ ઝેરને કારણે ગંભીર છે. સુરત જિલ્લા સેવા સદન જેવા સંવેદનશીલ સ્થળે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે, ત્યાં એક વ્યક્તિ એસિડની બોટલ લઈને પાંચમા માળ સુધી કેવી રીતે પહોંચી શકી? આ ઘટનાએ કોર્ટમાં આવતા પક્ષકારો અને વકીલોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. હાલમાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને એસિડ ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગે તપાસ શરૂ કરી છે.