રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ગઈકાલે ભાયાવદરમાં રાજકોટના સોની વેપારી પાસે 20 હજારની વ્યાજની ઉઘરાણીમાં 18 વીઘા જમીનમાં કબજો કરી લીધા નો ગુનો નોંધાયાના કલાકોમાં વધુ એક વ્યાજખોરો એ ગોંડલમાં કાકા-ભત્રીજાએ 14લાખના 16 લાખ રોકડા વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોર બેલડીએ બે ટ્રક પડાવી વધું 29 લાખની પઠાણી ઉઘરાણી કરતાં કોટડાસાંગાણીમાં મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી બંને વ્યાજખોરોની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ગોંડલમાં શિવમ સોસાયટીમાં રહેતાં મૂળ મોટા દડવા ગામના વતની નયનપરી પ્રતાપપરી ગૌરસ્વામી ઉ.વ.૩૫ વાળા એ કોટડા સાંગાણી પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં વ્યાજખોર અનીલ પ્રભાત ધ્રાંગા અને રાહુલ રામ ધ્રાંગા સામે રાવ કરતા કોટડાસાંગાણી પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરીયાદી નયનપરીએ જણાવ્યું હતું કે, તેમના સાળા અજયગીરી સંજયગીરી ગોસ્વામી સાથે પરીવાર સાથે રહી ડ્રાઈવીંગ કામ કરે છે. વર્ષ 2018 માં તેમને ગોંડલના ભોજરાજપરા અંબીકાનગરમા મકાન લીધેલ હોય અને તે મકાનની લોન લેવા માટે મોટાદડવા ગામની બાજુમા આવેલ બગદડીયા ગામના અનીલ ધ્રાંગાને રાજકોટમા મળેલ અને તેના મારફતે કેપરી ફાયનાન્સમાથી લોન લીધેલ હતી. જેથી તેમની સાથે ઓળખાણ થયેલ હતી. તેઓને ગોંડલનુ મકાન વેંચી લોન ભરવી પડે તેમ હોય જેથી નવેક માસ પહેલા બગદડીયા ગામે અનીલ પાસે ગયેલ અને વાત કરેલ કે, મકાનની લોન ભરવા માટે 14લાખ રૂપીયા જોઇએ છે. જેથી તેને કહેલ કે, 10 ટકા વ્યાજ અને પાચ ચેક કોરા આપવા પડશે. જેથી તેને હા પાડેલ હતી.
પાંચેક દિવસ બાદ અનીલને ફોન કરી રૂપીયા બાબતે વાત કરતા તે ગુદાળા ચોકડીએ આવેલ અને 11 લાખ આપતાં તેઓએ પાંચ ચેક કોરા આપેલ હતા. ત્રણેક દિવસ બાદ અનીલને ફોન કરી બાકીના 3લાખ આપવા બાબતે વાતચીત કરતા પીપળીયા પાટીયે બોલાવી કહેલ કે, તારું તથા તારા મોટા ભાઈ પ્રગ્નેશપરી બન્નેના મોટા દડવા ગામની બેંકના જોઇન્ટ ખાતાના પાચ ચેક કોરા આપવા પડશે, જેથી તેને બીજા પાચ ચેક આપતાં તેને ત્રણ લાખ આપેલ હતા. જે 14.50 લાખ મકાનની લોનમાં ભરી દીધેલ હતાં. તેમજ વધારે રૂપીયાની જરુર પડતા 1 લાખ વ્યાજે ફરીવાર અનીલ પાસે માંગતા તેના ભત્રીજા રાહુલ સાથે મુલાકાત કરાવતા તેની પાસેથી 1લાખ 10ટકા વ્યાજે લીધેલ હતાં.
તેના બદલામાં કાર અને બુલેટ ગીરવી મુકેલ હતું. ત્યારબાદ ગોંડલ ખાતેનુ મકાન વહેચી નાખેલ અને તેના બદલામાં મકાન લેનાર ભરતભાઈ પાસેથી બે ટ્રક ખરીદ કરેલ હતાં. ત્યારબાદ તે ગોંડલ મોવીયા દાવત કંપનીમા ટ્રક ચલાવવા લાગેલ અને બે મહીના સુધી મકાનની ફાઇલ આવેલ નહી અને અનીલ પાસેથી લીધેલ 14 લાખનું વ્યાજ ચડવા લાગતા સસરા સુરેશગીરી ગોસ્વામી પાસેથી 7 લાખ ઉછીના લઈ તેમજ બનેવી યતીનગીરી ગોસ્વામી પાસેથી 4 લાખ ઉછીના લીધેલ તેમજ ભાઇના દાગીનાની 5 લાખની ગોલ્ડ લોન લઇ ત્રણ કટકે કટકે ચાર માસ દરમ્યાન અનીલ પાસેથી લીધેલ 14 લાખ તથા રાહુલ પાસેથી લીધેલ રૂ. 1લાખ બદલામાં વ્યાજ સહીત 16 લાખ આપી બુલેટ તથા કાર પરત માંગતા નહી આપેલ અને હજુ તારે 29 લાખ દેવાના છે તેમ વાત કરેલ હતી.
ત્યારબાદ મકાનની ફાઇલ આવી જતા મકાન ભરતભાઈ કલોલાના નામે કરી આપતાં તેઓએ ટ્રક ફરીયાદીનાં નામનો કરી આપેલ જ્યારે બીજા ટ્રકમા અકસ્માતનો ગુનો દાખલ થયેલ હોય જેથી તેમન મારા નામે થયેલ નહી. ત્યારબાદ વ્યાજખોરને વધારે રૂપીયા નહી આપવાનુ કહેતા ડ્રાઈવર નયન મકવાણા ટ્રક લઈને જતો હોય ત્યારે રસ્તામાં કરમાળ પીપળીયા પાસે ઉભો રખાવી આ બન્ને લઇ ગયેલ તથા બીજો ટ્રક ગોંડલ સાઢીયા પુલ પાસેથી લઇ ગયેલ હતાં. તેમજ રાહુલએ મોબાઇલ પણ લઈ લીધેલ અને મોબાઇલ તેમજ ટ્રકના બદલે 29 લાખ દેવાનુ કહી અવારનવાર ફોન તેમજ રૂબરૂ મળે ત્યારે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોટડાસાંગાણી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.