ટ્રેન અકસ્માતો અટકાવવા અને મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે રાજકોટ રેલવે ડિવિઝને વિરમગામ- રાજકોટ- ઓખા મુખ્ય રેલવે માર્ગ પર કુલ 434 કિલોમીટરમાં 'સ્ટાન્ડર્ડ કવચ' સુરક્ષા પ્રણાલી સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. આ પ્રણાલીનો મુખ્ય હેતુ એક જ ટ્રેક પર સામસામે કે પાછળથી આવતી બે ટ્રેનો વચ્ચે ટક્કર થતી અટકાવવાનો છે. ડિસેમ્બર-2026 સુધીમાં સમગ્ર સેક્શનમાં આ પ્રણાલીને એન્જિન, સ્ટેશનો અને સિગ્નલિંગ સાથે સંપૂર્ણ રીતે જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ અધિકારી સુનીલકુમાર મીનાએ જણાવ્યું હતું કે વિરમગામથી રાજકોટ વચ્ચે 180 કિલોમીટર અને રાજકોટથી ઓખા વચ્ચે 253 કિલોમીટર મુખ્ય રેલવે માર્ગના તમામ બ્લોક સેક્શનમાં હવે સ્ટાન્ડર્ડ કવચ સુરક્ષા પ્રણાલી કાર્યરત થઈ ગઈ છે. આ આધુનિક સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બનશે અને અકસ્માતની શક્યતા નોંધપાત્ર રીતે ઘટશે.
ડેપ્યુટી ચીફ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર યોગેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, સમગ્ર રૂટ પર કુલ 2,950 આરએફઆઈડી (RFID) ટેગ લગાવવામાં આવ્યા છે. આ ટેગ ટ્રેનનું ચોક્કસ સ્થાન ઓળખવામાં અને કવચ સિસ્ટમને સતત માહિતી પહોંચાડવામાં મદદ કરે છે.
ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી 'કવચ' પ્રણાલી ટ્રેનને સામસામે અથવા પાછળથી થનારી ટક્કરથી બચાવવા ઉપરાંત, ટ્રેક પર કોઈ ટ્રેન પહેલેથી ઊભી હોય તો બીજી ટ્રેનને આપમેળે નિયંત્રિત કરે છે. ઉપરાંત, કોઈ ટ્રેન અચાનક ખામી કે અન્ય કારણસર ટ્રેક પર અટકી જાય તો નજીકની ટ્રેનો અને નિયંત્રણ કક્ષાને તરત જ ચેતવણી (એસઓએસ એલર્ટ) મોકલવાની સુવિધા પણ તેમાં ઉપલબ્ધ છે.
હાલ ટ્રેક પર કવચ પ્રણાલી કાર્યરત થઈ ગઈ છે. હવે આગામી તબક્કામાં લોકોમોટિવ (એન્જિન), સ્ટેશનો અને સિગ્નલિંગ સિસ્ટમ સાથે તેનું સંપૂર્ણ એકીકરણ કરવામાં આવશે. આ કામગીરી ડિસેમ્બર-2026 સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનો રેલવેનો લક્ષ્યાંક છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે 'કવચ' પ્રણાલીનો અમલ રેલવે સુરક્ષાને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે અને ભવિષ્યમાં ટ્રેન અકસ્માતો અટકાવવામાં તે અસરકારક સાબિત થશે.