રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કુવાડવા રોડ પર આવેલ ભાભા એજન્સીમાંથી લીધેલા આરએમડી ગુટખાના સેમ્પલ નિકોટીનયુક્ત હોવાના ગુનાનો ૧૨ વર્ષ પહેલાનો કેસ ચાલી જતા મ્યુનિસિપલ કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ આરએમડી ગુટખાના ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમિની અનિલ મહેન્દ્રભાઇ પટેલને પાંચ વર્ષની સજા અને રૂ. 3.50 લાખ દંડ તેમજ કંપનીને અલગથી રૂ. ૩.૫૦ લાખ દંડ ભરવાનો હુકમ કર્યો છે, દંડની રકમ ન ભરે તો વધુ સજા તેમજ દંડની રકમ રેવન્યૂ રાહે વસૂલ કરવા અને ડિફોલ્ટરના કિસ્સામાં લાયસન્સ રદ સુધીનો હુકમ ફરમાવ્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં મહાપાલિકા દ્વારા આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય પદાર્થનું વેંચાણ કરતી દુકાનોમાં ચેકિંગ દરમિયાન આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તા.18/ 03/ 13ના રોજ કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપની બાજુમાં ડી.એચ.ચેમ્બરમાં ભાભા એજન્સીમાં ચેકિંગ દરમિયાન પાન-મસાલા, ચોકલેટ અને બિસ્કીટના વેંચાણની સાથે આરએમડી ગુટખા લખેલા ૪ બોક્સ પેકિંગનો જથ્થો મળી આવ્યો હતો. ગુટખાનો જથ્થો શંકાસ્પદ જણાતા તેમજ રાજ્ય સરકાર દ્વારા ગુટખાના સંગ્રહ અને વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં ભાભા એજન્સી દ્વારા વેંચાણ અર્થે સંગ્રહ કરેલ હોય તેમજ ગુટખાનો નમૂનો પુથ્થકરણ અર્થે લેવામાં આવેલો નમૂનો સરકાર માન્ય બરોડાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ગુટખાની અંદર નિકોટીન જણાઇ આવતા કાયદા પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ હોય તેમ છતાં ગુટખાની અંદર નિકોટીન વાપરવામાં આવેલ હોય તેવો અભિપ્રાય આવેલ હતો.
બરોડા સ્થિત ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઉત્પાદન કરી અને રાજકોટ સ્થિત ભાભા એજન્સી દ્વારા આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી વેંચાણ કરતા હોય જેથી ફૂડ સેફ્ટી ઓફિસર એચ. જી. મોલીયા દ્વારા ફરિયાદી બની રાજકોટ મ્યુનિસિપલ અદાલતમાં મેસર્સ ભાભા એજન્સીના માલિક રાજકુમાર દયારામ ક્રિષ્નાણી અને મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ઉત્પાદક પેઢીના નોમિની અનિલ મહેન્દ્રભાઇ પટેલ અને ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની સુનાવણી ચાલવા પર આવ્યા દરમિયાન મેસર્સ ભાભા એજન્સીના માલિક રાજકુમાર ક્રિષ્નાણીનું અવસાન થતા તેઓની સામેનો કેસ અએબેટ કરી બાકીના આરોપી સામેનો કેસની સુનાવણી હાથ ધરી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુટખાના ઉત્પાદન તેમજ વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં તેની જાણ મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ને પણ હોય તેમ છતાં તેને બજારમાંથી વણવેંચાયેલ માલ પરત લેવો ફરજિયાત હોય તેમ છતાં પણ વેંચાયેલ માલ બજારમાંથી પરત કરેલ ન હોય, જે માલ બજારમાં વેંચાણ અર્થે મુકાયેલ હતો. તેમાં પ્રતિબંધિત નિકોટીન મળી આવેલ અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરેલ હોય જેના હિસાબે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની અલગ-અલગ કલમનો ભંગ કરેલ હોય તેમજ મૂળ ફરિયાદી દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકેલ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના નોટિફીકેશનો રજૂ કરવામાં આવેલા હતા, તે ધ્યાને લઇ મ્યુનિસિપલ કોર્ટના ન્યાયમૂર્તિ કે. આર. ગાંગનાણી દ્વારા આરએમડી ગુટખાના ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. તથા કંપનીના નોમિની અનિલ મહેન્દ્રભાઇ પટેલને તક્સીરવાર ઠરાવી પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી જાણીતા ધારાશાસ્ત્રી જીગ્નેશભાઇ શાહ રોકાયા હતા.