શહેરમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે સ્વીફટ કારને અટકાવી હતી. કારમાં સવાર બંને શખસોની પુછતાછ કરતા બંને ડોકટર હોવાનું અને બંનેએ નશો કર્યાનું માલુમ પડતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.એમ. ગઢવી અને સહદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રીના 10:30 વાગ્યા આસપાસ 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક સર્કલ પાસે રોડ પર સ્વિફ્ટ કાર નંબર જીજે 3 કેપી 2135 સર્પાકાર રીતે ચલાવી જતા હોય જેથી પોલીસે આ કારને અટકાવી હતી.
પોલીસે કારચાલક અને તેમાં સવાર અન્ય શખસ બંનેની નીચે ઉતારી કારચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ વિરૂત ચંદ્રકાંતભાઈ પટેલ (ઉ.વ. 38 રહે. રેસકોર્સ રીંગરોડ, પટેલ આઈસ્ક્રીમ બાજુમાં ક્રિષ એન્ડ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 702) અને કારમાં સવાર અન્ય શખસનું નામ લક્કીરાજ ભગવાનજીભાઈ અકવાલિયા (ઉ.વ. 34 રહે. મવડી પ્લોટ, મેઇન રોડ, શવાશ્રય સોસાયટી શેરી નંબર 4) હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં બંને ડોકટર હોવાનું જણાવ્યું હતું. બંને થોથરાથી જીભે બોલતા હોય અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોય નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે કારચાલક વિરૂત પટેલ સામે ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવનો અને કારમાં બેઠેલા તેના મિત્ર લક્કીરાજ અકવાલીયા સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.