રાજકોટમાં કૌટુંબિક જમીન અને ભાગબટાવના પૈસાની લેતીદેતી મામલે ચાલતા વિવાદે રવિવારે મોડી મધરાત્રે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સોમનાથ સોસાયટી-2 નજીક થયેલી અથડામણમાં કૌટુંબિક ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં કાકા સુરેશ ધોળકીયાનું (ઉવ.55) મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કાકા રાજેશ ધોળકીયા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે હુમલો કરવામાં આવે છે તેવા દૃશ્યો કેદ થયા છે.
પિતા અને કાકાને છોડાવવા વચ્ચે પડેલા લાખા ધોળકીયાને પણ ઇજાઓ પહોંચી હતી. તેમજ સમગ્ર ઘટનામાં આરોપી હાર્દિક ધોળકીયા પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બેવડી હત્યા સંદર્ભે મૃતક સુરેશના પુત્ર અને ઇજાગ્રસ્ત લાખાભાઈ ધોળકીયા દ્વારા BNS ની કલમ 103(1), 109(1), 352, 118(1) સહિતની કલમ હેઠળ કૌટુંબિક ભાઈ હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મધરાત્રે રાજેશ ધોળકિયા દ્વારા પોતાના ભાઈ સુરેશને ફોન કરતા પિતા પુત્ર સોમનાથ સોસાયટી ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાર્દિક ધોળકીયા ગાળાગાળી કરી રહ્યો હતો. સમજાવવા જતાં હાર્દિકે અચાનક છરી કાઢી કૌટુંબિક કાકા સુરેશ ધોળકીયાના છાતીમાં જીવલેણ ઘા ઝીંક્યો હતો. ત્યારબાદ કૌટુંબિક કાકા રાજેશ તથા કૌટુંબિક ભાઈ લાખા પર પણ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોએ સુરેશને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રાજેશનુ બાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બીજી તરફ આરોપી હાર્દિક ધોળકીયા દ્વારા બંને મૃતક તેમજ કૌટુંબિક ભાઈ લાખા તેમજ શિવા ડોન્ડા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 109(1), 352 સહિતની કલમ હેઠળ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં હાર્દિકે દાવો કર્યો છે કે, તેમના દાદા વિહા ધોળકિયાની જમીન રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી હતી. જે જમીનનું ધ્યાન રાખવાનું કામકાજ સુરેશ ધોળકિયાને સોંપવામાં આવ્યું હતું.
પરંતુ બાદમાં સુરેશ ધોળકિયા દ્વારા સાધુવાસવાણી રોડ પર આવેલી જમીન દિલીપ શેઠ નામના વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. જે બાબતના પૈસા હાર્દિક અને તેના પરિવારજનો દ્વારા માંગવામાં આવી રહ્યા હતા. જે બાબતે છેલ્લા અઢી વર્ષથી વિવાદ ચાલતો હતો. ત્યારે રવિવારે રાત્રે હાર્દિક સોમનાથ સોસાયટી ખાતેથી પસાર થતો હતો તે દરમિયાન રાજેશ ધોળકિયા સહિતના વ્યક્તિઓ ત્યાં બેઠા હતા. દરમિયાન હાર્દિક ઉભો રહેતા રાજેશ ધોળકિયા બોલાચાલી કરવા લાગ્યા હતા તેમજ પ્લોટના વેચાણના કોઈ પૈસા દેવાના થતા નથી તેમ કહી રાજેશ સહિતના વ્યક્તિઓ દ્વારા પાઇપ અને છરી વડે હાર્દિક પર હુમલો કર્યો હતો. પોતાનો જીવ બચાવવા માટે તેણે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવી લઈને સ્વરક્ષણમાં આડેધડ ઘા માર્યા હોવાનું જણાવ્યું છે.
હાલ પોલીસ બંને પક્ષની ફરિયાદ, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, ફોરેન્સિક તપાસ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ઘટનાની દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે. આ ડબલ મર્ડર પાછળ ખરેખર પૂર્વયોજિત હુમલો હતો કે પછી સ્વરક્ષણમાં થયેલો જીવલેણ પ્રહાર...? તેનો જવાબ હવે પોલીસ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવા આપશે. પરંતુ એટલું ચોક્કસ છે કે મિલકતના વિવાદે એક જ પરિવારના બે સભ્યોના જીવ લઈ લીધા છે અને આખા પરિવારને ક્યારેય ન ભરાઈ શકે તેવી પીડા આપી છે.
કૌટુંબિક સંબંધો પર લોહીની લકીર ખેંચાઈ ગઈ છે. જ્યાં છેલ્લા અઢી વર્ષથી ચાલતો જમીનના ભાગબટાવ અને પૈસાની લેતીદેતીનો વિવાદ આખરે બે જીવ લઈ ગયો છે. મધરાત્રે થયેલી આ લોહિયાળ ઘટનામાં કૌટુંબિક ભત્રીજાના હાથમાં રહેલી છરીએ બે કાકાઓના જીવનનો કરૂણ અંત લાવ્યો છે. જ્યારે પરિવારનો વધુ એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. બીજી તરફ આરોપી પણ હોસ્પિટલના બિછાને છે અને સમગ્ર ઘટનાને સ્વરક્ષણ ગણાવી રહ્યો છે.