ખંભાળિયામાં સઘન સફાઈ કામગીરીનો પ્રારંભ: નગરજનોમાં હાશકારો
પાલિકાને મળેલી ખાસ ગ્રાન્ટ અન્વયે સફાઈ ઝુંબેશ કામગીરી
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કામગીરી તેમજ કચરા નિકાલની કામગીરી ખોરવાઈ ગયા બાદ તાજેતરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ નગરપાલિકાને મળેલી સફાઈ માટેની ખાસ ગ્રાન્ટ બાદ જુદા જુદા વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી તેમજ કચરા નિકાલની કામગીરી શરૂ કરાઈ છે. જેથી નગરજનોએ રાહત સાથે હાશકારો અનુભવ્યો છે.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં થયેલી ફરિયાદોને અનુલક્ષીને અગાઉની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો. આ પછી કચરા નિકાલની કામગીરી યોગ્ય રીતે ન થઈ શકતા શહેરમાં કચરાના ગંજ જોવા મળ્યા હતા અને નગરજનો ત્રાસી ગયા હતા. આ પરિસ્થિતિમાં શહેર ગંદુ અને ગોબરુ બની રહ્યું હતું. જેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા. અને અહીંના સાંસદ તેમજ ધારાસભ્ય દ્વારા સત્તાવાહકોને જરૂરી તાકીદ પણ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ કણજારીયા તથા ચીફ ઓફિસર રાહુલ કરમુર તેમજ સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરી, કચરા નિકાલ અંગે મહત્વના નિર્ણયો લઈ, જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
ખંભાળિયા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સ્વચ્છ શહેર સુંદર શહેર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૭ લાખની નોંધપાત્ર રકમ શહેરની સફાઈ માટેની ખાસ ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં સફાઈ ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના તમામ વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં સફાઈ કામદારો તેમજ ખાસ વાહનો મારફતે કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કચરાની સમસ્યાથી પીડાઈ રહેલા નગરજનોને દુર્ગંધ અને ગંદકીથી હાલ મુક્તિ મળી છે. આગામી દિવસોમાં પણ કચરા નિકાલ માટે સુદ્રઢ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા સહિતના પગલાં હાથ ધરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.