BREAKING NEWS

રાજકોટમાં પોલીસ અને જેન-ઝી વચ્ચે ઝપાઝપી, દિલ્હી આંદોલનના સમર્થનમાં એકઠા થયેલા યુવાનોની અટકાયત

  • July 21, 2026 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બહુમાળી ભવન ચોક અને રેસકોર્સ મેદાન પાસે દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના સમર્થનમાં મોટી સંખ્યામાં જેન-ઝી એટલે કે યુવાનો એકઠા થયા હતા. યુવાનો પોતાનો વિરોધ નોંધાવે અને શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અચાનક કરાયેલી આ કાર્યવાહીને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ તથા યુવાનો વચ્ચે તીવ્ર ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા.


દિલ્હી આંદોલનના સમર્થનમાં આવેલા પદ્મીનીબા વાળા મીડિયાને નિવેદન આપે એ પોલીસે તેને પકડી જીપમાં બેસાડી દીધા હતા. તેઓએ અટકાયત સમયે સરકાર પર આક્રોશ  ઠાલવ્યો હતો.


પોલીસ દ્વારા યુવાનોને બળજબરીપૂર્વક વાનમાં બેસાડવાનો પ્રયાસ કરાતાં યુવાનો અને યુવતીઓ રોષે ભરાયા હતા. અટકાયત દરમિયાન સ્થિતિ વધુ વણસી હતી, જ્યારે પોલીસ વાનમાં પૂરાતી વખતે યુવતીઓ અને મહિલા પોલીસ વચ્ચે પણ ભારે ઘર્ષણ અને ઝપાઝપી જોવા મળી હતી. આ કાર્યવાહીથી નારાજ થયેલા યુવાનોએ પોલીસ કામગીરીનો વિરોધ કરતાં "ભારત માતા કી જય"ના જોરદાર નારા લગાવ્યા હતા અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “દેશમાં હવે લોકશાહી ખતમ થઈ ગઈ છે, શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર પણ છીનવાઈ રહ્યો છે.”



પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બહુમાળી ભવન ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ચર્ચા મુજબ, પોલીસની આ તાબડતોબ અટકાયત ઝુંબેશમાં રસ્તા પરથી સામાન્ય રીતે પસાર થઈ રહેલા નિર્દોષ રાહદારીઓની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસના આ કડક વલણને કારણે સમગ્ર રેસકોર્સ અને બહુમાળી ભવન વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application