BREAKING NEWS

જામનગર ડેન્ટલ કોલેજના કરોડોના ઉચાપત કેસમાં કોર્ટના કડક વલણથી ચકચાર

  • July 21, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ડેન્ટલ કોલેજના કરોડોના ઉચાપત કેસમાં કોર્ટના કડક વલણથી ચકચાર

ડીનની અસલી સહી અને બેંકની ભૂમિકા સામે કોર્ટ લાલઘૂમ: બેંકિંગ વ્યવહારો અને તપાસની પ્રગતિ સામે પ્રશ્ર્નાર્થ

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિની કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાં થયેલી ઉચાપતના કેસમાં અદાલતના કડક રૂખને કારણે ભારે સન્નાટો વ્યાપી ગયો છે. કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગ સામે નોંધાયેલા ૧.૩૬ કરોડથી વધુની રકમની કથિત ઉચાપત કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન અદાલતે પોલીસ તપાસ અને સરકારી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કોલેજના ટ્યુટર ડો. સંજય ઉમરાણીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, દર્દીઓની સારવાર અને કર્મચારીઓના પગાર માટે આવાયેલી ગ્રાન્ટમાંથી ૧૫ ચેક મારફતે રૂ. ૧,૩૬,૧૯,૩૫૦ પોતાના જુદા જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉચાપત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી શોભિત ગર્ગની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો.

જામીન અરજીની સુનાવણી દરમિયાન અદાલતે મુખ્ય પ્રશ્ન એ ઉઠાવ્યો હતો કે આ કેસમાં કોલેજના ડીનને કેમ આરોપી બનાવવામાં આવ્યા નથી. ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલ અનુસાર તપાસ દરમિયાન રજૂ કરાયેલા ૧૫ ચેકમાંથી ૧૩ ચેક પર ડીનની અસલી સહી હોવાનું સામે આવ્યું છે. અદાલતે પૂછ્યું કે જો સહી અસલી હતી તો તે કેવી રીતે થઈ, અને જો ડીનને આ અંગે જાણ નહોતી તો બેંકે આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કેવી રીતે મંજૂર કર્યા.

આ ઉપરાંત, અદાલતે બેંકિંગ નિયમો સામે પણ પ્રશ્નો કર્યા હતા. રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી પાંચ લાખથી વધુની રકમનો ચેક ક્લિયર કરવા માટે બેંકમાં ફરજિયાત પોઝિટિવ પે સિસ્ટમ ફોર્મ ભરવું પડે છે, જેમાં અધિકૃત અધિકારીની સહી જરૂરી હોય છે. આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ અને જવાબદાર અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ કમિટીને તેની જાણ કેમ ન થઈ તે અંગે અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

રૂ. ૨૪.૬૦ લાખ, રૂ. ૨૮.૫૫ લાખ અને રૂ. ૧૯.૪૫ લાખ જેવા મોટા નાણાકીય વ્યવહારો થવા છતાં સંબંધિત ખાતાધારકોને એસએમએસ એલર્ટ કેમ ન મળ્યા તે મુદ્દે પણ અદાલતે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટ રૂમમાં સર્જાયેલા ગંભીર માહોલ વચ્ચે હવે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવનારા જવાબ અને તપાસની પ્રગતિ અંગે વધુ સુનાવણી ૨૧ જુલાઈએ હાથ ધરવામાં આવશે. આ તમામ વિગતો જામનગરના વકીલ આદિત્યદાન ગઢવી દ્વારા જણાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application