BREAKING NEWS

તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને સુરત જિલ્લામાં ઝાપટાથી પોણા બે ઇંચ વરસાદ

  • October 17, 2025 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક ઊભી થયેલી સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં નવસારી વલસાડ તાપી ડાંગ અને સુરત જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો હતો અને અનેક સ્થળોએ સામાન્ય ઝાપટાંથી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 50 કિલોમીટર સુધી પહોંચી જતા અનેક વૃક્ષો ધરાશાય થયા હતા અને વીજળી પુરવઠો પણ ખોરવાઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના ડોલવણમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના ગણદેવી માં સવા ઈચ અને વાંસદામાં એક ઇંચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના વાપીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધરમપુર કપરાડા ઉમરગામ તથા પારડીમાં એક થી પાંચ મિલીમીટર સામાન્ય ઝાપટા પડ્યા છે.

ડાંગ જિલ્લાના વધયમાં એક ઇંચ વરસાદ થયો છે, જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં માત્ર 6 મીલીમીટર પાણી પડ્યું છે.

અરબી સમુદ્રની આ સિસ્ટમ મોટા ભાગે તો તમિલનાડુ અને કેરલાને પ્રભાવિત કરે છે. પરંતુ અમુક ભાગ ગુજરાત તરફ વળતા તેની અસરના ભાગરૂપે આ સામાન્ય ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળે છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં વરસાદની ખાસ શક્યતા નથી પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ આવતીકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થવાની છે. આ સિસ્ટમ પણ કેરલ તામિલનાડુ અને લક્ષદીપ ને વધુ પ્રભાવિત કરે તેવું લાગે છે પરંતુ આમ છતાં આજે લો પ્રેસર ઉભું થયા પછી તેની ગતિ અને ઝડપ બાબતે વધુ અંદાજ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application