BREAKING NEWS

બાપ રે...એસિટિક એસિડ નાખી પનીર બનાવતા: રાજકોટમાં ત્રણ યુનિટ સીલ

  • June 26, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં એસિટિક એસિડ નાખીને પનીરનું ઉત્પાદન કરતા બે યુનિટ તેમજ પનીરના નામે એનેલોગ વેંચતા એક યુનિટ સહિત કુલ ત્રણ યુનિટ સીલ કરવામાં આવતા મિલ્ક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા ધંધાર્થીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને રાજકોટમાં એક વર્ષ સુધી દરરોજ દરેક ફૂડ કેટેગરીમાં ફૂડ ચેકિંગ ડ્રાઇવની જાહેરાત કરવામાં આવ્યા બાદ સૌપ્રથમ હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે પનીર સહિતની મિલ્ક પ્રોડક્ટ્સના ઉત્પાદકો અને હોલસેલરોને ત્યાં ચેકિંગ શરૂ કરાયું છે.


વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, લાતી પ્લોટ શેરી નં.૪માં આવેલ ફોર્ચ્યુંન

મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં ચેકિંગ કરતા ત્યાં આગળ પનીરની બનાવટમાં એસિટિક એસિડનો વપરાશ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક અસરથી તેની પ્રિમાઇસીસ સીલ કરવામાં આવી હતી અને રૂ.પાંચ હજારનો દંડ વસુલી પનીરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર સોમનાથ-૩માં શેરી નં.૧માં આવેલ શ્રીરામ ડેરીમાં ફૂડ ચેકિંગ કરતા ત્યાં આગળ પણ એસિટિક એસિડ નાખીને પનીર બનાવવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત ૫૦૦ કિલો ફૂગ વાળી મલાઈ ( અંદાજિત કિંમત રૂ.૧.૭૫ લાખ) મળી આવી હતી જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ડેરીની પ્રિમાઇસીસ સીલ કરાઇ હતી તેમજ રૂ.પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મલાઈ અને પનીરના સેમ્પલ લઈ ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે કોઠારીયા મેઇન રોડ ઉપર વિવેકાનંદનગર શેરી નં.૯માં આવેલ શ્યામ ડેરી પ્રોડક્ટમાં ફૂડ ચેકિંગ કરતા ત્યાં આગળ અસલી પનીરના નામે એનેલોગ વેંચતા હોવાનું માલૂમ પડ્યું હતું ! જેથી તાત્કાલિક અસરથી તેની પ્રિમાઇસિસ સીલ કરીને રૂ.પાંચ હજારનો દંડ વસુલાયો હતો તેમજ એનેલોગનું સેમ્પલ સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application