સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા રાજકોટ શહેર માટે હવાઈ મુસાફરી માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયા દ્વારા આગામી ૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી રાજકોટથી ઓપરેટ થતી સવારની દિલ્હી અને સાંજની મુંબઈની એમ બે ફ્લાઇટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, કથિત રીતે ફ્યૂઅલની અછત અથવા ઓપરેશનલ કારણોસર આ બે મહત્વની ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે. એર ઇન્ડિયાના આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે આગામી બે મહિના સુધી સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરીને ખૂબ જ વ્યાપક અસર પહોંચશે, જેને પગલે સ્થાનીય વેપારી આલમ અને પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવની ઉડ્ડયન મંત્રીને મહત્વની રજૂઆત
રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો અને ઉદ્યોગકારોને પડનારી આ મોટી હાલાકીને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. સંસ્થાના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્ન્જારપ્પુ રામમોહન નાયડુ તેમજ એર ઇન્ડિયાના ચેરમેન સમક્ષ આ મામલે લેખિતમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે મોકલેલા પત્રમાં આગ્રહપૂર્વક જણાવ્યું છે કે, રદ કરાયેલી સવારની રાજકોટ-દિલ્હી અને સાંજની રાજકોટ-મુંબઈ ફ્લાઇટોને કોઈ પણ પ્રકારના વિલંબ વગર તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવામાં આવે.

નાના-મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) અને વેપાર જગતને થશે મોટું નુકસાન
રાજકોટ ચેમ્બરે પોતાના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું વ્યાપારી કેન્દ્ર હોવાની સાથે-સાથે મોટા પાયે એમએસએમઇ (નાના અને મધ્યમ ઉદ્યોગો) એકમોથી પથરાયેલું છે. અહીંથી દિન-પ્રતિદિન આયાત અને નિકાસનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના વિદેશી બિઝનેસ મુલાકાતીઓ સતત રાજકોટની મુલાકાતે આવતા હોય છે. અગાઉ શરૂ થયેલી એર ઇન્ડિયાની આ બંને ફ્લાઇટોના કારણે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં પોતાની ઓફિશિયલ કામગીરી માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરીને સાંજે પરત ફરી શકતા હતા. હવે આ ફ્લાઇટો બંધ થઈ જવાથી ઉદ્યોગપતિઓનો સમય અને નાણાં બંનેનો વ્યય થશે, જેની સીધી નકારાત્મક અસર સ્થાનિક બિઝનેસ ગ્રોથ પર પડશે.
સરકારે ATF પર વેટ ઘટાડ્યો હોવા છતાં ફ્લાઇટ બંધ રાખવી અયોગ્ય
પત્રમાં વધુમાં એ મુદ્દા તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (ATF) એટલે કે વિમાનના બળતણ પરના વેટ (વેલ્યુ એડેડટેક્સ)માં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયના પરિણામે તમામ એરલાઇન્સ ઓપરેટર્સને ખૂબ જ મોટી આર્થિક રાહત મળી ચૂકી છે, જે ફ્લાઇટોના ઓપરેશન્સ વધારવા માટે અત્યંત સકારાત્મક પરિસ્થિતિ હોવાનું દર્શાવે છે. આવી સાનુકૂળ સ્થિતિ હોવા છતાં, એર ઇન્ડિયા દ્વારા આર્થિક રીતે નફાકારક અને પેસેન્જરોથી સતત હાઉસફુલ રહેતી બે મહત્વની ફ્લાઇટો બંધ કરી દેવી તે કોઈપણ રીતે વ્યાજબી નથી. રાજકોટ ચેમ્બરે આશા વ્યક્ત કરી છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ બાબતને ગંભીરતાથી લઈ એર ઇન્ડિયાને યોગ્ય આદેશો આપશે, જેથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની એર કનેક્ટિવિટી જળવાઈ રહે.