ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા નાગરિકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. આખો દિવસ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ, મોડી સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સુસવાટા સાથે પ્રિ-મોન્સૂન વરસાદનું આગમન થયું હતું. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો હતો અને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ અમરલીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતો તો ચલાલામાં સબ સ્ટેશન પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી.
જસદણ તાલુકાના ભંડારીયામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘમહેર
જસદણ તાલુકાના આટકોટ, જંગવડ, વીરનગર અને બળધોઈ સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના જોરદાર કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના બફારા બાદ પડેલા આ વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. ધૂળની ડમરીઓ શાંત પડતાં જ માટીની સુગંધથી વાતાવરણ મનમોહક બની ગયું હતું. ગ્રામ્ય પંથકના નદી-નાળા અને વોકળાઓમાં પાણીની આવક શરૂ થતાં વાતાવરણ આહલાદક બની ગયું હતું.
પહેલા વરસાદમાં બાળકોએ ન્હાવાની મજા માણી
ચોમાસા પૂર્વેના આ પ્રથમ વરસાદને પગલે સૌથી વધુ ઉત્સાહ બાળકોમાં જોવા મળ્યો હતો. લાંબા સમયની ગરમીથી કંટાળેલા નાની વયના બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સીઝનના પહેલા જ વરસાદમાં ન્હાવાની તેમજ પાણીમાં રમવાની મજા માણી ખિલખિલાટ કરી મૂક્યો હતો. બીજી તરફ, વાતાવરણમાં આવેલા આ પલટા અને વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ આગામી ચોમાસાની સીઝનને લઈને હર્ષની લાગણી જોવા મળી રહી છે. જો કે, કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકાને કારણે સાવચેતીના ભાગરૂપે પાવર સપ્લાય થોડીવાર માટે ખોરવાયો હતો, પરંતુ એકંદરે આ વરસાદ લોકો માટે ગરમીથી મુક્તિ આપનારો સાબિત થયો છે.
અમરેલીમાં પણ વરસાદી ઝાપટાં થયા
અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અમરાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો અને પંચાળ બાબરા પંથકમાં વરસાદી છુટા છવાયા ઝાપટા જોવા મળ્યા હતાં.
ચલાલામા સબ સ્ટેશન પર વીજળી પડી
ચલાલામાં પીજીવીસીએલના સબ સ્ટેશન પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. આથી વીજ પુરવઠો ખોરવાતા લાઈટ ગુલ થઈ હતી. પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. નુકસાનગ્રસ્ત ટી.સી.ને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.