ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ પત્રકાર પરિષદ યોજીને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચાલી રહેલા મેગા સર્ચ ઓપરેશન અંગેની અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક સફળતાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા છેલ્લા ૭૨ કલાકથી ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં ૬,૨૦૦થી વધુ શંકાસ્પદ લોકોના મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે, જેના આધારે ગઈકાલ રાતથી જબરદસ્ત સપાટો બોલાવીને ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા તમામ લોકોના દસ્તાવેજો અને ડેટાની સઘન ચકાસણી કર્યા બાદ તેઓ બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય ૭૮૦થી વધુ શંકાસ્પદ લોકોની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આશરો આપનારા અને નોકરી પર રાખનારાઓ સામે પણ થશે કડક કાર્યવાહી
ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પોલીસ માત્ર આ ઘૂસણખોરોને પકડીને અટકી નહીં જાય. સ્થાનિક પોલીસના અલગ-અલગ યુનિટ દ્વારા આ બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર રીતે રાખનારા, મકાન ભાડે આપનારા અને પોતાના ધંધા-રોજગારમાં નોકરી પર રાખનારા તત્વો વિરુદ્ધ પણ કાયદાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેમણે પણ આ વિદેશી નાગરિકોનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું નથી અથવા કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો લીધા વિના તેમને આશરો આપ્યો છે, તે તમામ લોકો સામે પોલીસ દ્વારા અત્યંત કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં જ્યાં આ લોકો કામ કરી રહ્યા હતા તેવા તમામ વ્યાવસાયિક સેક્ટરો પર પોલીસ ઇન્ટેલિજન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ટ્રેસ કરાયેલા મોબાઈલ નંબરોમાં હજુ સુધી કોઈ રાજકીય પક્ષોના કનેક્શન બહાર આવ્યા નથી.
રેલવે, હાઈવે અને બસ સ્ટેશનો પર સઘન ચેકિંગ
આ ઓપરેશન અંતર્ગત સમગ્ર રાજ્યના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય દિશાના લોકલ પોલીસ યુનિટો કામે લાગ્યા છે. ખાસ કરીને સુરત શહેર, અમદાવાદ શહેર, વડોદરા, ભરૂચ, રાજકોટ તેમજ અમદાવાદ અને સુરત ગ્રામ્ય જિલ્લાઓમાંથી સૌથી વધુ સંખ્યામાં ઘૂસણખોરો પકડાયા છે. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ 5 લોકો શંકાસ્પદ જણાતા ત્યાં તુરંત ઓપરેશન હાથ ધરાયું હતું.
અમદાવાદનું ચંડોળા તળાવ ઓપરેશન બાદ પણ પોલીસના સતત રડારમાં છે. આગામી સમયમાં આ ઝુંબેશને વધુ વ્યાપક બનાવી હાઈવે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો અને સરહદી વિસ્તારો સહિત તમામ સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત નાકાબંધી કરવામાં આવશે, જે અંતર્ગત વિવિધ બોર્ડર પરથી વધુ ૧૮ શંકાસ્પદ લોકોને દબોચી લેવાયા છે. આ સાથે જ હર્ષ સંધવીએ ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં બોર્ડર ફેન્સિંગ (તારની વાડ) કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે જેથી ઘૂસણખોરી પર કાયમી બ્રેક લગાવી શકાય.