શાપરમાં સપ્તાહ પૂર્વે રાજવી પરીવારના 77 વર્ષીય વૃદ્ધના ઘરમાં બંધક બનાવી છ બુકાનીધારી શખસો રૂ. 2.49 કરોડની દીલધડક લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓને પકડવા ગ્રામ્ય પોલીસની 15 થી વધુ ટીમો સાથે રાજકોટ શહેર પોલીસની ટીમો પણ તપાસમા લાગી હતી. પડકારજનક બની રહેલા આ બનાવનો ભેદ અંતે રૂરલ પોલીસે ઉકેલી નાખી ત્રિપુટીને ઝડપી લીધી છે. જેની પાસેથી પોલીસે રૂ.૪૧ લાખની રોકડ,દાગીના અને રાયફલ કબજેકરી છે.
ગઇ તા. 19 ના રોજ શાપરમાં રહેતાં રાજવી પરીવારના જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ઘર એકલા હતા. દરમિયાન રાતે બે વાગ્યાની આસપાસ ત્રાટકેલ ધાડપાડુ ટોળકીએ વૃધ્ધ રાજવીને બંધક બનાવી રોકડ રૂ.૨.૪૭ કરોડ, સાત તોલા સોનાના ઘરેણાં, રાયફલ, મોબાઈલ સહિત રૂ.૨.૪૯ કરોડની મત્તાની લૂંટનો બનાવ બન્યો હતો.
જે બનાવની ગંભીરતા જોઈ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ડોગ સ્કવોડ, એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જ્યારે રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, રેન્જ આઈજીની ટીમ અને સાથે સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
પોલીસે ઘટનાસ્થળ અને ભાગવાના રૂટ પર સક્રિય તમામ શંકાસ્પદ મોબાઈલ નંબરોનું લોકેશન ટ્રેસની સાથે લૂંટના સમયે થયેલા ઇન્ટરનેટ કોલિંગ અને શંકાસ્પદ કમ્યુનિકેશન પર નજર રાખી તપાસ હાથ ધરી હતી.પોલીસ સીસીટીવી સહિતની તપાસ કરી દાહોદ અને એમ.પી. સુધી પહોંચી હતી. દરમિયાન ચકચારી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પીઆઈ એ.બી. જાડેજાની ટીમને સફળતા સાંપડી હતી. પોલીસે બંસી હેમરાજ સિંગાડ (રહે. જાંબુઆ, એમપી), દિનેશ ચેતન પરમાર (નિમ્બચ, ગરબાળા, દાહોદ) અને ચેતન દીવાન અમલીયાર (રહે.નિમ્બચ, ગરબાળા, દાહોદ)ની ધરપકડ કરી હતી. જયારે અન્ય પાંચ શખ્સોની શોધખોળ શરૂ રાખી હતી. પોલીસે હાલ રૂ. 41.૮૪ લાખની રોકડ, સોનાના તમામ દાગીના અને રાયફલ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
શાપરમાં મજૂરી કરતા શખસોએ એમપીની ગેંગને ટીપ આપી'તી
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકિકત સામે આવી છે કે, શાપરમાં મજૂરી કરતા શખસોએ જ 77 વૃદ્ધને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. શાપરમાં રહેતા શખસોએ રાજવી પરિવારના વૃદ્ધ અને બંગલાની પુરેપુરી રેકી કરી હતી. બાદમાં તેમણે એમપીની ગેંગને ટીપ આપી હતી. જે બાદ એમ.પી. અને દાહોદના શખસોની ટોળકીએ શાપર ખાતે આવી લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.
લુંટની ઘટનામાં આઠ આરોપીની સંડોવણી
લુંટની આ ઘટનામાં રાજકોટ રૂરલ પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. લુંટની આ ઘટનાને અંજામ આપવામાં આઠ જેટલા શખસો સામેલ હોવાનું સામે આવ્યું છે. લુંટની ઘટના બની ત્યારે ટોળકીનો સાગરીત બહાર વોચ રાખી બેઠો હતો. જયારે ટીપ આપનાર શખસ સહિત મળી હજુ પાંચ આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ શોધખોળ યથાવત રાખી છે.