BREAKING NEWS

અમેરિકામાં ભીષણ આગ લાગતાં ત્રણ ગુજરાતીઓના મોત: પતિ, પત્ની અને દીકરી જીવતા ભુંજાયા

  • July 02, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. યુએસએના ઓહાયો સ્ટેટમાં આવેલી એક મોટેલમાં મધ્યરાત્રિએ અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના વતની એવા સુથાર પરિવારના ત્રણ સભ્યો જીવતા ભૂંજાયા છે. બે વર્ષ પહેલાં જ ઉજળા ભવિષ્યની આશા સાથે અમેરિકા સ્થાયી થયેલા પરિવારના તમામ સભ્યોનો આ અકસ્માતમાં કરુણ અંત આવ્યો છે. આગના આ બનાવમાં પતિ, પત્ની અને તેમની જુવાનજોધ દીકરીનું મોત નીપજ્યું હોવાના સમાચાર વતન નડિયાદમાં મળતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.


ગાઢ નિદ્રામાં હતો પરિવાર અને અચાનક કાળ ત્રાટક્યો

મળતી વિગતો અનુસાર, નડિયાદના વતની હિતેશ સુથાર, તેમના પત્ની હીના સુથાર અને તેમની ૨૦ વર્ષની દીકરી ઈશાની અમેરિકાના ઓહાયોમાં ક્લેવલેન્ડથી દક્ષિણમાં આશરે ૯૬ કિલોમીટર દૂર આવેલા વુસ્ટર ખાતે રહેતા હતા. આ પરિવાર ત્યાં આવેલી 'ઇકોનો લોજ' નામની મોટેલમાં જ ક્વાર્ટર્સમાં આશરો મેળવીને રહેતો હતો, જ્યાં હિતેશભાઈ નોકરી કરતા હતા. સ્થાનિક સમય મુજબ મધ્યરાત્રિએ આશરે ૧:૩૦ વાગ્યાની આસપાસ જ્યારે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે મોટેલમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે મોટેલની છતમાંથી પ્રચંડ જ્વાળાઓ અને કાળો ધુમાડો આકાશ તરફ ઉડવા લાગ્યો હતો.


બચવા માટે બાથરૂમમાં ભરાયા, પરંતુ કાળે કેડો ન મૂક્યો

આગની લપેટો અને ચારેય તરફ ફેલાયેલા ધુમાડા વચ્ચે પોતાના જ રૂમમાં ફસાયેલા હિતેશભાઈ અને તેમના પરિવારે જીવ બચાવવા માટે મોટેલના રિસેપ્શન પર ફોન કરીને તાકીદે મદદ માંગી હતી. રિસેપ્શન પરથી તેમને કટોકટીની સ્થિતિમાં સલાહ આપવામાં આવી હતી કે, તેઓ તુરંત બાથરૂમમાં જતા રહે અને પાણીના નળ ચાલુ રાખી ત્યાં જ આશરો લે, જેથી આગની આંચ ન લાગે. આ સલાહને અનુસરીને સુથાર પરિવારે આગ અને ઝેરી ધુમાડાથી બચવા માટે પોતાની જાતને બાથરૂમની અંદર બંધ કરી દીધી હતી. પરંતુ, કમનસીબે કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની અનેક ટીમો દ્વારા ભારે જહેમત બાદ પણ તેના પર કાબૂ મેળવવામાં ઘણો સમય વીતી ગયો હતો.


બાથરૂમમાં ધુમાડો ભરાતા શ્વાસ રૂંધાવાથી મોત

ફાયર ફાઇટરોની ટીમે મોટેલના પાછળના અને અલગ પડી ગયેલા હિસ્સામાં ફસાયેલા આ પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. બાથરૂમની અંદર સખત ધુમાડો ભરાઈ જવાના કારણે ઓક્સિજન ખૂટી ગયો હતો અને દમ ઘૂંટાવાને કારણે પતિ-પત્ની અને ૨૦ વર્ષની માસૂમ દીકરીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ભયાનક અકસ્માતના વાઈરલ થયેલા ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે આગે મોટેલના પાછળના ભાગને સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવી દીધો છે. આ દુર્ઘટનામાં મોટેલના અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.


વતન નડિયાદમાં પરિવારજનો આઘાતમાં

આ અકસ્માત બાદ અમેરિકાની સ્થાનિક પોલીસ અને હાઈટેક ફોરેન્સિક ટીમો દ્વારા મોટેલમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી, તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, બે વર્ષના ટૂંકા ગાળામાં જ અમેરિકાની ધરતી પર નડિયાદના સુખી અને શાંત સુથાર પરિવારના ત્રણેય સભ્યોના એકસાથે આકસ્મિક મોતના પગલે વતનમાં રહેતા સગા-સંબંધીઓ અને મિત્રો ભારે આઘાતમાં સરી પડ્યા છે. દીકરીના ઉજળા ભવિષ્ય માટે સાત સમંદર પાર ગયેલો આખો પરિવાર એક જ ઝાટકે કાળનો કોળિયો બની જતાં નડિયાદમાં આક્રંદ છવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application