ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલ આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને ભુજ (કચ્છ) જેવી મહત્વની આરટીઓ કચેરીઓને ટાર્ગેટ બનાવીને ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને તમામ કચેરીઓને ખાલી કરાવી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ બાદ રાજકોટ આરટીઓ કચેરીને પણ ઇ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાફલો, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાના કારણોસર કચેરી ખાલી કરાવાઈ હતી. જેનાથી અરજદારોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ હાલ ઇ-મેઈલના સોર્સની તપાસ કરી રહી છે.
ધમકી મળતાની સાથે જ સુરક્ષાના કારણોસર તમામ આરટીઓ કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવાઈ હતી. ટ્રેક ટેસ્ટ અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે આવેલા હજારો અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડી પરત મોકલવામાં આવ્યા હતા. અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં તો વહેલી સવારે વેબસાઇટ પર ધમકી મળી હતી કે બપોરે 12.50 કલાકે 13 જેટલા બોમ્બ બ્લાસ્ટ થશે. આ ગંભીર ચેતવણી બાદ આરટીઓ નીરવ બક્ષીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમોએ કચેરીના ખૂણેખૂણાની તપાસ શરૂ કરી હતી.
સુરતમાં પણ આ ધમકીને પગલે ભારે દોડધામ જોવા મળી હતી. સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, કેમ્પસને સંપૂર્ણપણે ઇવેક્યુએટ કરાવીને 'એન્ટી સેબોટેજ ચેકિંગ' હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. બીજી તરફ, વડોદરામાં આ ધમકીને કારણે સેંકડો અરજદારો અટવાઈ પડ્યા હતા. કચેરી બંધ કરી દેવાતા લોકો બેથી ત્રણ કલાક સુધી બહાર રાહ જોતા રહ્યા હતા, પરંતુ સ્થિતિને જોતા સત્તાધીશોએ તમામ અરજદારોને આવતીકાલની નવી એપોઈન્ટમેન્ટ આપી પરત મોકલ્યા હતા.
અમદાવાદમાં હિમાલયન એલાન્ઝા બિલ્ડિંગમાં આવેલી આરટીઓ ઓફિસની નીચેના શો-રૂમ્સ પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરાવી દેવાયા હતા. આ બિલ્ડિંગમાં ઉપરના માળે રહેણાંક મકાનો હોવાથી રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા બિલ્ડિંગની નીચે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ ચાલુ રાખવામાં આવી હતી.
આ ધમકીભર્યા ઈ-મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યા છે તે જાણવા માટે સાયબર સેલની ટીમો સક્રિય થઈ ગઈ છે. સુરત સાઈબર સેલની ટીમ ટેકનિકલ પાસાઓની તપાસ કરી રહી છે જેથી આ આખી ઘટના પાછળના માસ્ટરમાઈન્ડને પકડી શકાય. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાન કે અફવા હોવાનું પણ મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.