BREAKING NEWS

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: બાળકોના મોત, તંત્ર એલર્ટ

  • July 14, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે ૩ બાળકોના દુઃખદ અવસાન થયા છે, જેને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસના વધતા વ્યાપ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.બેઠક દરમિયાન વાયરસના નિયંત્રણ, અસરગ્રસ્ત બાળકોની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગરના મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ કરાયો છે. આ ઉપરાંત, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મદદ લઈને તમામ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૨૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૯ નમૂનાઓના પરીક્ષણ પરિણામો આવી ગયા છે, જેમાં ૭ પોઝિટિવ અને ૧૨ નેગેટિવ રિપોર્ટ જાહેર થયા છે. અન્ય ૮ નમૂનાઓના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે અગાઉ જે ૬૧ સ્થળોએ કેસ નોંધાયા હતા, ત્યાં દવાના છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો પૂર્ણ કરાયા છે અને ત્યાં કોઈ નવો કેસ રિપીટ થયો નથી. નવા વિસ્તારોમાં જ્યાં કેસ જોવા મળ્યા છે, ત્યાં ફોગિંગ, સેન્ડફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. રાજ્યમાં નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા તમામ ડોક્ટરોને સૂચના આપવામાં આવી છે કે, જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વિના બાળકને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલમાં રિફર કરવું, જેથી સમયસર સારવારથી બાળકની જિંદગી બચાવી શકાય. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ બાળકમાં તાવ, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો ગભરાયા વગર તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. રાજ્યભરમાં આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે અને આરોગ્ય તંત્રને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ અપાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News