ગુજરાત એટીએસએ સિદ્ધપુરમાંથી પાંચ શંકાસ્પદ ઇસમોને ઝડપ્યાઃ જૈશ સાથે કનેક્શન અંગે તપાસ
ગુજરાત એટીએસએ સિદ્ધપુરમાંથી પાંચ શંકાસ્પદ ઇસમોને ઝડપ્યાઃ જૈશ સાથે કનેક્શન અંગે તપાસ
July 14, 2026 10:35 AM
ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક ગુપ્ત અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિદ્ધપુરના વ્યસ્ત એવા ઝાંપલીપોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. આ ઓપરેશનના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. આ ઝડપાયેલા પાંચેય શખ્સોનું જૈશ-એ મોહમ્મદ સાથે કનેક્શન છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. એટીએસ દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ આઠ શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ આતંકી દ્વારા આ કટલેરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત 'નૂરાની ટેલર્સ' નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિલચાલને પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, ગુજરાતના સિદ્ધપુરમાંથી ત્રણ, પાલનપુરમાંથી ત્રણ અને ચીખલીમાંથી એક શંકાસ્પદ આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાંથી વધુ પાંચ જેટલા સંદિગ્ધ ઇસમોને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા એટીએસની ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં તપાસ શરૂ કરી હતી. આ મેગા ઓપરેશન અંતર્ગત એટીએસ ટીમો દ્વારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાન અંગેના સગડ મેળવવા માટે શહેરના ઝાપલીપોલ સહિતના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરી તપાસ લંબાવવામાં આવી છે. મોડી સાંજ સુધી ચાલેલી આ તપાસ અને પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ ખુલાસા થવાની શક્યતા છે.