BREAKING NEWS

થોરાળા પોલીસે બે દરોડામાં ૩.૦૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો

  • October 16, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
થોરાળા પોલીસ મથકના સ્ટાફે દારૂના બે દરોડામાં રૂ. ૩.૦૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં ગોકુળનગર પાસે રીક્ષામાંથી દારૂના ૮૧૬ ચપલા સાથે એક શખસને ઝડપી લીધો. જયારે જંગલેશ્વરના શખસનું નામ ખુલ્યું હતું. જયારે મયુરનગરમાં રહેતા શખસના મકાનમાં દરોડો પાડતા દારૂના ૨૮૮ ચપલા મળી આવ્યા હતાં.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના પી.આઈ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી તથા એએસઆઈ દેવશીભાઈ ખાંભલા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ સંજયભાઈ મંડાણી, દિવ્યરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, સંત કબીર રોડથી ગોકુળનગર આવાસ યોજના કવાર્ટર તરફ જતા રોડ પર રીક્ષામાં દારૂના જથ્થાની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં ગોકુળનગર આવાસ યોજના ક્વાર્ટર પાસે પહોંચી હતી અહીં દ્વારકેશ ટેલિવિઝન નામની દુકાન પાસે શંકાસ્પદ રીક્ષા મળી આવી હતી. પોલીસે રિક્ષામાં સવાર શખસનું નામ પૂછતા તેણે પોતાનું નામ જીતુ ઉર્ફે હીતો નાથાભાઈ ચંદ્રપાલ (ઉ.વ 36 રહે. આંબેડકરનગર શેરી નંબર 6, મૂળ મુળીલા તા. કાલાવડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સીએનજી રીક્ષા નંબર જીજે 10 ટીઝેડ 2245 માં પાછળની સીટમાં જોતા સફેદ કલરના બાચકાઓ પડ્યા હોય જેમાં તપાસ કરતા તેમાંથી 816 દારૂના ચપલા મળી આવ્યા હતાં. જેથી પોલીસે રૂ. 2,54,592 ની કિંમતનો દારૂનો આ જથ્થો રીક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 4,09,592 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા જંગલેશ્વરમાં રહેતા આલીમઅલી અનીશભાઈ શેખ નામના શખસે રિક્ષામાં દારૂનો જથ્થો ભરાવી અન્ય જગ્યાએ લઈ જવા માટે કહ્યું હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી આલીમઅલીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પોલીસે અન્ય એક દરોડામાં હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ લોખિલની બાતમીના આધારે મયુરનગર શેરી નંબર-૧ શ્રમજીવી સોસાયટી રાવણ ચોક પાસે રહેતા કિશન મનસુખભાઈ સીતાપરાના મકાનમાં દરોડો પાડી અહીંથી રૂપિયા 48,960 ની કિંમત ના 288 દારૂના ચપલા ઝડપી લીધા હતાં. પોલીસે દારૂના આ જથ્થા સાથે ટ્યુશન મનસુખભાઈ સીતાપરા (ઉ.વ 25) ને ઝડપી લઇ તેની સામે પોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



ભકિતનગર પોલીસે બે દરોડામાં ૨૨ ચપલા સાથે બેને દબોચ્યા

ભક્તિનગર પોલીસે બોલબાલા માર્ગ ગાયત્રીનગર શેરી નંબર 4 શ્રીજી હોસ્પિટલ પાસે રહેતા યજ્ઞેશ જયેશભાઇ રાઠોડ (ઉ.વ 25) નામના શખસને દારૂના ૧૨ ચોપલા સાથે ઝડપી લીધો હતો. જ્યારે કોઠારીયા મેઇન રોડ 50 ફૂટ રોડ સુતા હનુમાન પાસેથી લખન પ્રકાશભાઈ ગોહેલ (ઉ.વ 28 રહે. ગોપાલનગર શેરી નંબર-૧ નામના વેપારીને 10 ચપલા સાથે તથા આ જ વિસ્તારમાંથી મહેન્દ્ર જગદીશભાઈ મારવાડી (ઉ.વ 30 રહે. રામેશ્વર સોસાયટી શેરી નંબર 2) ને દારૂના બે ચપલા સાથે ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application