રાજ્યમાં ઇંધણ બચત, વધતી ગરમી અને પરિવહન ખર્ચ જેવા મુદ્દાઓ વચ્ચે સરકારી કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની વ્યવસ્થા અમલમાં મૂકવાની ચર્ચાઓએ છેલ્લા કેટલાક દિવસોથી જોર પકડ્યું હતું. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચત અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વધુ ઉપયોગ અંગે કરવામાં આવેલી અપીલ બાદ કર્મચારી સંગઠનો સક્રિય થયા હતા. સચિવાલય કર્મચારી યુનિયન અને વિવિધ કર્મચારી મંડળો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આંશિક વર્ક ફ્રોમ હોમ અને ફાઈવ-ડે વીકની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
કર્મચારી સંગઠનોની માંગ હતી કે કોરોના કાળની જેમ જ ઓડ-ઈવન પદ્ધતિ હેઠળ અઠવાડિયામાં એકથી ત્રણ દિવસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે. આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો થશે, ટ્રાફિકનું દબાણ ઓછું થશે અને સરકારી કર્મચારીઓને પણ આર્થિક રાહત મળશે.
સરકાર હવે કર્મચારીઓને કાર પૂલિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને વિભાગીય સ્તરે ઓનલાઈન મિટિંગો વધારવા માટે પ્રોત્સાહિત કરશે. વહીવટી પ્રક્રિયા ખોરવાયા વિના ડિજિટલ કામગીરી વધારવા પર ભાર મૂકવામાં આવશે.
કેબિનેટમાં ચર્ચા, પણ પ્રાથમિકતા નહીં
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આજે મળેલી રાજ્ય કેબિનેટની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે સામાન્ય ચર્ચા થઈ હતી, પરંતુ હાલ સરકાર આ પ્રસ્તાવના પક્ષમાં નથી. સરકારના ઉચ્ચ વર્તુળોનું માનવું છે કે હાલ રાજ્યમાં એવા કોઈ અસામાન્ય સંજોગો નથી કે જેના કારણે તાત્કાલિક વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવું પડે. વહીવટી કામગીરી સંપૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઇન પદ્ધતિથી જ ચાલુ રાખવી વધુ યોગ્ય ગણવામાં આવી છે.
ભવિષ્ય માટે વિકલ્પ ખુલ્લો
જોકે, સરકારે આ વિકલ્પને સંપૂર્ણપણે નકાર્યો નથી. બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે ભવિષ્યમાં જો ઇંધણ સંકટ, કુદરતી આપત્તિ કે અન્ય અસાધારણ પરિસ્થિતિ ઊભી થશે, તો આ મુદ્દે ફરીથી વિચારણા કરવામાં આવશે.