BREAKING NEWS

“વિશ્વ પર્યાવરણ દિવસ 2026” ના ઉપલક્ષમાં રાજકોટ ડિવિઝન દ્વારા મહિનોભર ચાલનારા વ્યાપક પર્યાવરણ જાગૃતિ અભિયાનનો શુભારંભ

  • May 15, 2026 04:16 PM 

“વિશ્વ પર્યાવરણ દિવસ 2026” ના ઉપલક્ષમાં રાજકોટ ડિવિઝન દ્વારા મહિનોભર ચાલનારા વ્યાપક પર્યાવરણ જાગૃતિ અભિયાનનો શુભારંભ

રાજકોટમાં પ્રભાત ફેરી યોજીને “પ્લાસ્ટિક મુક્ત ભારત” અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ 2026” ના ઉપલક્ષમાં 15 મે થી 5 જૂન 2026 સુધી વ્યાપક પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો, સ્વચ્છતા, જળ અને ઊર્જા સંરક્ષણ તેમજ ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (SR DCM) શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ અભિયાન અંતર્ગત વિવિધ રેલવે સ્ટેશનો, રેલવે કોલોનીઓ, કચેરી પરિસરો અને જાહેર સ્થળો પર પ્રભાત ફેરીઓ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ કાર્યક્રમો, નુક્કડ નાટકો, વર્કશોપ, જાગૃતિ રેલીઓ, સ્પર્ધાઓ અને સામાજિક સહભાગિતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ જ ક્રમમાં 15 મે 2026 ના રોજ જન-જાગૃતિ માટે રાજકોટમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરી કોઠી કમ્પાઉન્ડ સ્થિત DRM ઓફિસથી રાજકોટ રેલવે સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી, જેમાં ડિવિઝન રેલ પ્રબંધક (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીના સહિત 100 થી વધુ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, સ્કાઉટ્સ અને ગાઇડ્સ, સિવિલ ડિફેન્સ જવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને “પ્લાસ્ટિક મુક્ત ભારત” તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

15 મે થી 5 જૂન 2026 સુધી ચાલનારા આ વિશેષ અભિયાન દરમિયાન રેલવે પરિસરો, ટ્રેક અને જળ સ્ત્રોતો પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. સાથે જ “એક પેડ મા કે નામ” (એક વૃક્ષ માતાના નામે) પહેલ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાશે. “સિંગલ યુઝ પ્લાસ્ટિક” નો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ જન-જાગૃતિ અભિયાન સંચાલિત કરવામાં આવશે.

મુસાફરોને ડિજિટલ ટિકિટિંગ અપનાવવા, પુનઃઉપયોગ કરી શકાય તેવી પાણીની બોટલો અને કાપડ કે શણની થેલીઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ ઉપરાંત નુક્કડ નાટક, વર્કશોપ, જાગૃતિ રેલીઓ, સ્પર્ધાઓ અને સામાજિક ભાગીદારીના કાર્યક્રમો દ્વારા જનતાને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવશે.

5 જૂન 2026 ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓ અને સ્પર્ધકોનું સન્માન કરવામાં આવશે.

ડિવિઝન રેલ પ્રબંધક (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત આગળ વધારતા સમાજમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટે નિરંતર કાર્ય કરતું રહેશે. તેમણે નાગરિકોને પર્યાવરણ સંરક્ષણને જન-આંદોલન બનાવવા અને સ્વચ્છ તેમજ હરિયાળા ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા આહવાન કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application