દુષ્કર્મનો એક ધૃણાસ્પદ બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં સગીરાએ જેને રાખડી બાંધી હતી તે જ શખસે તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. પીઠડીયાના જય ગોંડલીયા નામના શખસે 15 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી વાડીએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ અંગે એરપોર્ટ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટ એરપોર્ટ નજીક નવાગામમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જય ભરતભાઈ ગોંડલીયા(રહે. પીઠડીયા, જેતપુર)નું નામ આપી જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક 15 વર્ષ 11 માસની પુત્રી છે. અગાઉ તેઓ પીઠડીયા નજીક રહેતા હતા અને રાજકોટ-જેતપુર હાઇવે પર નાળિયેરીનો હલવો વેચવાની રેંકડી ધરાવી વેપાર કરતા હતા. તેમની સગીર પુત્રી અવાર નવાર પિતાના ધંધાના સ્થળે આવતી હતી. દરમિયાન નજીકમાં જ ચા-પાનની હોટેલ ધરાવતા શખસ જય ભરતભાઈ ગોંડલીયા સાથે પરિચય થયો હતો. પ્રથમ જયએ ફરિયાદીની પુત્રીને બહેન બનાવી હતી. જેથી પુત્રીએ અગાઉ જયને રાખડી પણ બાંધી હતી. બાદમાં પુત્રી અને જય વચ્ચેનો સંબંધ અંગે પરિવારને શંકા જતાં તેઓ રાજકોટ એરપોર્ટ નજીક નવાગામે રહેવા આવતા રહ્યા હતા.
નવાગામ ખાતે રહેવા આવ્યા બાદ ચોથા જ દિવસે રાત્રીના સમયે સગીર પુત્રી ઘરેથી ભેદી રીતે લાપતા થઇ જતાં પરિવારે પુત્રીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ દીકરીનો કોઇ પતો નહિ લાગતા પરિજનો એરપોર્ટ પોલીસ મથકે દોડી ગયા હતા. જયા પોલીસ સાથેની વાતચીતમાં પરિજનોએ જય ગોંડલીયા પર શંકા દર્શાવી હતી. જેથી એરપોર્ટ પોલીસે જય ગોંડલીયાનો સંપર્ક કરી એરપોર્ટ પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા હાલ સગીરા તેની સાથે રહે છે તેવી કબૂલાત આપી હતી. જેથી પોલીસે સગીરાને બોલાવી શાંતિપૂર્વક વાતચીત કરતા સગીરાએ આપેલી કબૂલાતથી પરિજનો અને પોલીસ બંને સ્તબ્ધ થઇ ગયા હતા. સગીરાએ હકીકત જણાવી હતી કે, તેણીએ જેને રાખડી બાંધી ધર્મનો ભાઈ બનાવ્યો હતો તે જય ગોંડલીયાએ જ તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. જેથી તેણી નવાગામે ઘરેથી નીકળી પીઠડીયા ખાતે જય પાસે પહોંચી હતી. બાદ જય કિશોરીને પોતાની વાડીએ લઈ ગયો હતો અને ત્યાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
સગીરાએ જણાવેલી હકીકતના આધારે એરપોર્ટ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી જય ભરતભાઈ ગોંડલીયાને સકંજામાં લીધો હતો. સમગ્ર બનાવ વિરપુર પોલીસની હદમાં બન્યો હોય બાદમાં એરપોર્ટ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ વિરપુર પોલીસને ટ્રાન્સફર કરી હતી. જેથી પીઆઈ એસ.જી. રાઠોડની ટીમે આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.