સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અવારનવાર લેખિત અને મૌખિક ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રજૂઆત કર્યા પછી આખરે સરકારે મોટાપાયે જગ્યાઓ મંજૂર કરી છે. પરંતુ આ વાતને લાંબો સમય પસાર થઈ જવા છતાં હજુ સુધી ભરતી માટેની પ્રક્રિયાની ગાડી પાટે ચડતી નથી
શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની 150 જેટલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે મંજૂરી આપી છે અને આ ભરતીની પ્રક્રિયા તારીખ 31 માર્ચ સુધીમાં પૂરી કરી લેવા માટે પણ સૂચના આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે ભરતીની પ્રક્રિયા જે સિસ્ટમથી આગળ વધી રહી છે તે જોતા તારીખ 31 માર્ચ સુધીમાં તે પૂરી થાય તેવું કોઈ પણ એન્ગલથી દેખાતું નથી.
મંગળવારે યુનિવર્સિટી કેમ્પસમાં કાયદા ભવનની આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી પડેલી જગ્યાના ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. માત્ર પાંચ ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમાંથી ત્રણ ઉમેદવારો હાજર રહ્યા હતા અને બે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ત્રણમાંથી એક ઉમેદવારની પસંદગી થઈ હોવાનું સૂત્રો જણાવે છે અને આ પસંદગીની પ્રક્રિયા તથા ઇન્ટરવ્યુની સમગ્ર બાબતનું વિડિયો રેકોર્ડિંગ કરીને સરકારને મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ જણાવે છે કે જગ્યાઓ મોટા પ્રમાણમાં મંજૂર કર્યા પછી નિયમમાં સતત થઈ રહેલા ફેરફારના કારણે મેરીટ લીસ્ટમાં પણ તેની ઈફેક્ટ આપવી પડે છે અને સમગ્ર તંત્ર વહીવટી કામગીરીમાંથી જ નવરું પડતું નથી. અગાઉ એસોસિયેટ પ્રોફેસરો અને પ્રોફેસરોનો ખાનગી કોલેજોનો અનુભવ ગ્રાહ્ય રાખવાના મામલે વિવાદ ચાલતો હતો ત્યારે ભરતીની પ્રક્રિયા માટે મેરીટ લીસ્ટ બનાવવાનું કામ ચાલતું હતું અને તે અંતિમ તબક્કામાં આવ્યું ત્યારે સરકારે આવો અનુભવ માન્ય રાખવામાં આવશે તેવું રૂલિંગ આપતા નવેસરથી મેરીટ લીસ્ટ બનાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વર્ગ ત્રણના કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે મોટા પ્રમાણમાં અરજીઓ આવી છે. 1400 જેટલા ઉમેદવારો હોવાથી તેમના માટે આગામી તારીખ 16 ના રોજ પ્રાથમિક તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. ઓએમઆર સિસ્ટમથી આ પરીક્ષા લેવાશે અને તુરત પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. જો કે સૌથી મોટી સમસ્યા વર્ગ ૨ ના અધિકારીઓની ખાલી પડેલી જગ્યા ભરવા માટેની છે. આ માટેની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કેવી રીતે રાખવામાં આવશે તેનાથી માંડી મોટાભાગની અનેક બાબતો હજુ સુધી અનિર્ણિત છે ્