BREAKING NEWS

શાપર અઢી કરોડની લૂંટનો પ્લાન મધ્યપ્રદેશમાં ઘડાયો’તો, ખેતમજૂર નીકળ્યો ભેજાબાજ, ભાગ બટાઈની રકમે આ રીતે ખેલ બગાડ્યો

  • July 07, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૂત્રધાર લૂંટની ટીપ આપનારને કોલીથડ પાસે ભાગ બટાઇની રકમ આપવા આવ્યો અને એલસીબીએ ચારને ઝડપી લીધા: રોકડ 12.50 લાખ સહિત રૂ.૧૭.૦૨ લાખનો મુદ્દામાલ કબજે: છ વર્ષ પૂર્વે રાજવીની જમીનમાં ખેતમજૂરી કરનાર બહાદુરે તેના મિત્રોને ટીપ આપી હતી


શાપરમાં અઢી કરોડની ચકચારી લૂંટમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ટીપ આપનાર તથા સૂત્રધાર સહિત વધુ ચાર શખસોને ઝડપી લીધા છે અને તેની પાસેથી રોકડ રૂપિયા 12.50 લાખ રેકીમાં ઉપયોગમાં લીધેલ તુફાન, બાઈક અને મોબાઈલ સહિત 17.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સૂત્રધાર લૂંટ અંગેની ટીપ આપનારને કોલીથડ પાસે ભાગ બટાઇની રકમ આપવા માટે આવતો હતો દરમિયાન પોલીસે ચારે શખસોને ઝડપી લીધા હતા.

રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર અને એએસપી નવીન ચક્રવતી રેપુડીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરીમાં પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી અને પી.એન. ભરવાડ તથા તેમની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી અઢી કરોડની ચકચારી લૂંટ પ્રકરણમાં સૂત્રધાર સહિત ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં વિજન નજરુભાઈ માવી (ઉ.વ.22 રહે. અગેરા, રાણપુર જાંબુવા), રામેશ્વર ઉર્ફે પપ્પુ કહેજે મચ્છર (ઉ.વ.36 રહે. ગવસર, રાણપુર જાંબુવા), રાજુ કમલસિંગ જીતારા (ઉ.વ. 32 રહે. જાંબુવા), સાગર ઉર્ફે સાગરીયા ગુલાબભાઈ મેડા (ઉ.વ. 40 રહે. ચોરમાંડળી, રાણપુર) નો સમાવેશ થાય છે.


આ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ધાડ પાડનાર આરોપીઓ પૈકી વિજન માવી પોતાને ટીપ આપનાર આરોપીઓને ભાગબટાઇમાં મળેલી રોકડ રકમની ભાગ બટાઈ કરવા માટે રોકડ રકમ સાથે ટીપ આપનાર આરોપીઓને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે ઝૂંપડામાં રહેતા હોય ત્યાં હોવાની માહિતી મળતા પોલીસની ટીમે અહીં પહોંચી ઘાડ પાડનાર વિજન તથા તેને ટીપ આપનાર અન્ય ત્રણ આરોપી રામેશ્વર ઉર્ફે પપ્પુ, રાજુ અને સાગરને ઝડપી લીધા હતા.


પોલીસે જણાવ્યું હતું કે, લૂંટ અને ધાડના આ બનાવમાં પકડવાના બાકી આરોપી બહાદુર નજરુભાઈ બબેરિયા (રહે માછલીયાજીર, રાણપુર, જાંબુવા) છ વર્ષ પહેલા શાપરમાં ફરિયાદીની બાજુમાં રહેતા પ્રવીણભાઈ પટેલ ફરિયાદી તથા તેના ભાઈની જમીન ભાગમાં વાવતા હોય ત્યાં આરોપી ખેત મજૂરી કામ કરતો હતો અને પ્રવીણભાઈ પટેલ તથા ફરિયાદીના ઘરે પણ આવતો જતો હતો. આ દરમિયાન ફરિયાદી પૈસાપાત્ર હોય અને ઘરમાં રોકડ તથા સોનાના દાગીના હોવાની જાણ થઈ હતી.


બાદમાં આ બહાદુરે તેના મિત્રો રાજુ ભાભોર, સાગર મેડાને જગ્યાની રેકી કરવા કહેતા શાપરમાં ફરિયાદીના ઘર તરફ રેકી કરી હતી. જેમાં પતિ-પત્ની અહીં એકલા જ રહેતા હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં ચોરી માટે વધુ માણસોની વ્યવસ્થા કરવાનું કહેતા રાજુ ભાભોરે તેના મિત્ર નિલેશ મચ્છારને ફોન કરી રાણપુર બોલાવતા નિલેશ તથા તેનો કાોટુંબિક ભાઇ રામેશ્વર બંને રાણપુરમાં રાજુ ભાભોરને મળ્યા હતા ત્યાં બહાદુર, રાજુ, સાગર, નિલેશ તથા રામેશ્વરએ ચોરી કરવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. રામેશ્વરએ કહ્યું હતું કે, તે જાંબુવા જેલમાં હતો ત્યારે તેનો મિત્ર વિજન માવી પાસે ચોરી કરવાવાળા માણસોની ગેંગ છે તેવું માલુમ પડ્યું હતું જેથી બાદમાં અહીં રાણપુરમાં મળીને જ આ પ્લાનિંગ કર્યું હતું.


પોલીસે લૂંટ પ્રકરણમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા અને અન્ય મુદ્દામાલ કબજે કરવા શોધખોળ યથાવત રાખી છે.


ચકચારી લૂંટમાં ઝડપાયેલા અને પકડવાના બાકી આરોપીઓ

શાપરમાં અઢી કરોડની ચકચારી લૂંટ પ્રકરણમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં વિજન માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છર, રાજુ કમલસિંહ ભાભોર, સાગર ઉર્ફે સાગરીયા મેડા, બંસીન ઉર્ફે બન્ના સિંગાડ, શેતાન દિવાનભાઈ અમલીયાર, દિનેશ શેતાનભાઇ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે લૂંટ પ્રકરણમાં હજુ છ આરોપીઓને પકડવાના બાકી છે જેમાં કમલસિંહ ઉર્ફે કમલસિંહ સિંગાડ, કરણસિંહ ઉર્ફે મડીયા શિંગાડ, મોહબ્બતસિંગ આલમસિંગ ઉર્ફે સુલસુલા બામણીયા, બહાદુર નજરુભાઈ બબેરીયા અને નિલેશ મચ્છારનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application