રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામ ખાતે થયેલા ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોતાની ઓળખ છુપાવીને નાસતા ફરતા મુખ્ય આરોપી પ્રવીણભાઈ ઉર્ફે લાખાળો ગલાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) અને તેની સાથેના એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પોલીસે છેક ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર ખાતેથી ઝડપી પાડ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર અને નાયબ પોલીસ અધીક્ષક કે.જી.ઝાલા દ્વારા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલી કડક સૂચના અન્વયે શાપર પોલીસ દ્વારા આ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, ગત તારીખ ૧૨/૦૬/૨૦૨૬ના રોજ શાપર (વે.) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો જાહેર થયો હતો. ઘટનાની વિગત એવી હતી કે જુબેદાબેન અયુબભાઇ ગુદડી (ઉ.વ.૩૭) નામના મહિલાને આરોપી પ્રવીણ વાઘેલા અને બાળ કિશોરે પોતાની ઓટો રિક્ષામાં આવીને શરીરે આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર હુમલો: આરોપીઓએ મહિલાના ગળામાં તેમજ પેટના ભાગે છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
મહિલાનું મોત: ઈજાગ્રસ્ત જુબેદાબેનનું તારીખ ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના અવસાન બાદ આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા અદિનીયમ ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) (હત્યા) મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
હરિદ્વાર રેલ્વે સ્ટેશન ખાતે પોલીસે વેશપલટો કરીને દબોચ્યા
હત્યાના આ ગંભીર ગુનાના આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે દેશના અલગ-અલગ રાજ્યોમાં આશરો લઈ ભાગતા ફરતા હતા. શાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સતત તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયા, કોન્સ્ટેબલ વિમલભાઇ વેકરીયા અને કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ શામળાને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે આરોપીઓ હાલ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યા છે.
માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક હરિદ્વાર જવા રવાના થઈ હતી. ત્યાં પહોંચીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ પોલીસ જવાનોએ વેશપલટો કર્યો હતો અને હરિદ્વાર રેલ્વે સ્ટેશન ખાતે વોચ ગોઠવીને બંને આરોપીઓને આબાદ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ કામગીરી શાપર (વે) પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.રાણાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના જવાનો તથા ગોંડલ નાયબ પોલીસ અધીક્ષક કચેરીના એ.એસ.આઈ. છત્રપાલસિંહ જાડેજા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.