BREAKING NEWS

જંગલેશ્વરકાંડની તપાસ કમિટીના અધ્યક્ષ બદલ્યા; હવે IAS કેતન જોષી તપાસ કરશે

  • July 03, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જંગલેશ્વર મેગા ડિમોલિશનના ખાણી પીણી ખર્ચની તપાસ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને નિયુક્ત કરવામાં આવ્યા હતા, દરમિયાન હવે એકાએક તપાસ કમિટીના અધ્યક્ષમાં તબદિલી કરીને તેમના સ્થાને ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કેતન જોષી ( આઇએએસ)ને તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ પ્રકારે ચાલુ તપાસે અને કમિટીનું ગઠન થયાના ગણતરીના દિવસોમાં કરાયેલા આ ફેરફારથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જંગલેશ્વર મેગા ડિમોલિશનના ખાણીપીણી ખર્ચ મામલાની સંપૂર્ણ તટસ્થ, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થશે. આ માટે આઇએએસ ઓફિસર તેમજ અન્ય વિભાગના વડા તપાસ કરશે. કમિટીમાં કુલ છ સભ્ય રહેશે, અલબત્ત આ કમિટીના સભ્યપદે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ તપાસ સમિતિના અધ્યક્ષ પદે હવે આઇએએસ કેતન જોષી રહેશે. તપાસ અહેવાલ આપવા અંગે કમિટીને કોઇ સમય મર્યાદા અપાઇ નથી તેમ છતાં વહેલામાં વ્હેલી તકે તલસ્પર્શી તપાસ રિપોર્ટ રજૂ થશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએએસ કેતન જોષી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ( પીજીવીસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમને રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોય હાલ તેઓ ઇન્ચાર્જ ડીએમસી તરીકે કાર્યરત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application