નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા તાજેતરમાં જમ્મુની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામની પ્રખ્યાત બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર એક મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિક સહિત કુલ ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલાનું ષડયંત્ર હુમલાના સાત દિવસ પહેલા એટલે કે ૧૫ એપ્રિલ, 2025ની આસપાસ જ ઘડી કાઢવામાં આવ્યું હતું. આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના પ્રોક્સી ગ્રુપ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'નો હાથ હતો.
એજન્સીની તપાસમાં ડિજિટલ પુરાવા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે. જુલાઈ 2025માં શ્રીનગરમાં 'ઓપરેશન મહાદેવ' દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓના ફોનની તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેઓ હાઇકિંગ અને ટ્રેકિંગ માટે વપરાતી એક સામાન્ય જીપીએસ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હતા. આતંકવાદીઓએ આ એપનો ઉપયોગ સામાન્ય પ્રવાસીઓની જેમ ફરવા માટે નહીં, પરંતુ હુમલાના સ્થળના કોઓર્ડિનેટ્સ (ચોક્કસ ભૌગોલિક સ્થાન) નોંધીને એકબીજા સાથે શેર કરવા માટે કર્યો હતો. ફોનમાંથી ૧૫ અને ૧૬ એપ્રિલના નકશાના એવા સ્ક્રીનશોટ મળ્યા છે જે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હેન્ડલર સાજિદ જટ્ટ દ્વારા મોકલવામાં આવેલા લોકેશન સાથે સંપૂર્ણપણે મેચ થતા હતા.
આ સમગ્ર હુમલાનું સંચાલન પાકિસ્તાનથી સાજિદ જટ્ટ ઉર્ફે અલી નામનો કમાન્ડર કરી રહ્યો હતો. તે ગુપ્ત અને એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન નેટવર્ક દ્વારા ભારતમાં રહેલા આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો. સાજિદ જટ્ટ જ આતંકવાદીઓને ડિજિટલ નકશા મોકલતો, કઈ તરફ આગળ વધવું તેના નેવિગેશનલ આદેશો આપતો અને હથિયારો તેમજ પૈસાની વ્યવસ્થા કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલરો સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે વાતચીત કરવા માટે ખાસ પ્રકારની ગુપ્ત એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હતા જેથી સુરક્ષા એજન્સીઓ પકડી ના શકે. વળી, જે બે આઇફોન આતંકવાદીઓ પાસેથી મળ્યા છે, તે પાકિસ્તાનમાં જ વેચાયા હોવાનું પણ સાબિત થયું છે.
આતંકવાદીઓને સ્થાનિક સ્તરે મદદ કરનારા લોકોની પણ ઓળખ થઈ છે. હુમલાના એક દિવસ પહેલા એટલે કે ૨૧ એપ્રિલના રોજ, આતંકવાદીઓ પરવેઝ અહમદ નામના સ્થાનિક રહેવાસીના 'ઢોક' (ઉનાળામાં માલધારીઓ દ્વારા પહાડો પર બનાવવામાં આવતી માટીની ઝૂંપડી) પર ગયા હતા. પરવેઝ અહમદ અને તેના કાકા બશીર અહમદ જોથાદ પર આરોપ છે કે તેમણે આતંકવાદીઓની યોજનાની જાણ હોવા છતાં તેમને આશ્રય આપ્યો હતો અને જમવાનું પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, એનઆઈએ સમક્ષ એક સુરક્ષિત સાક્ષીએ જુબાની આપી છે કે સપ્ટેમ્બર ૨૦૨૪માં તેને પંજાબી અને ઉર્દૂ બોલતા આતંકવાદીઓએ ગોગલ દારા જંગલ તરફ જવા મજબૂર કર્યો હતો. તે લોકેશન પર પાકિસ્તાનથી ડ્રોન દ્વારા એક પીળું પેકેટ ફેંકવામાં આવ્યું હતું, જેમાંથી ૨૦ પિસ્તોલ, ૧૫ લાખ રૂપિયા અને ત્રિકોણ આકારના બોમ્બ મળી આવ્યા હતા.
એનઆઈએના રિપોર્ટ મુજબ, આતંકવાદીઓએ બૈસરન ખીણને ખાસ એટલા માટે પસંદ કરી હતી કારણ કે તે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં સુરક્ષા માટે કોઈ સીસીટીવી કેમેરાની સુવિધા નહોતી, જેના કારણે તેમને હુમલો કરવામાં અને ભાગી જવામાં સરળતા રહે તેમ હતી. આ ચાર્જશીટ તૈયાર કરવા માટે એનઆઈએની ટીમે ૧,૧૦૦થી વધુ સાક્ષીઓની ઝીણવટભરી પૂછપરછ કરી હતી અને તમામ વૈજ્ઞાનિક તથા ડિજિટલ પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ તમામ સજ્જડ પુરાવાઓ સાથેની ચાર્જશીટ ડિસેમ્બર ૨૦૨૫માં જમ્મુની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી છે, જે સરહદ પારથી ઓપરેટ થતા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરે છે.