રાજકોટ શહેરના શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં માત્ર ચાર વર્ષના માસુમ બાળકને શિક્ષિકાએ નિર્દયી બની તાવીથા વડે ડામ દીધાના બનાવની ચકચાર મચી જવા પામી છે. ટ્યુશનમાં બાળક લખતો ન હોય શિક્ષિકાએ ઉશ્કેરાઇ બાળકને ડામ આપ્યો હતો. જે બાબતની જાણ થતા તેના કાકા પુચ્છા કરવા માટે જતા શિક્ષિકાએ તેની સાથે બોલાચાલી કરી હતી. જે અંગે પ્ર.નગર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ ફ્લેટ નં.સી-508 માં રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા 36 વર્ષીય યુવાન વિશાલભાઇ હરેશભાઈ યાદવે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિક્ષિકા નિરાલીબેન અશ્વિનભાઇ (રહે. રેલનગર, શ્યામજી ક્રુષ્ણવર્મા ટાઉનશીપ સી-૪૦૮, સનરાઈજ સ્કુલની બાજુમા,રાજકોટ)નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે બીએનએસની કલમ 352 અને 118 હેઠળ ગુનો નોંધ્યો છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૦૬/૦૭/૨૦૨૬ ના રોજ તે રીક્ષા લઇ ઘરે પહોંચ્યો હતો. દરમિયાન આશરે આઠ વાગ્યે તેના ભાભી ગાયત્રીબેન ધર્મેશભાઇ યાદવએ વાત કરી હતી કે મારો દીકરો કશ્યપ(ઉવ 4 વર્ષ 6 મહિના) આપણા ઘર નજીક રહેતા નીરાલીબેન અશ્વીનવભાઇના ઘરે ટ્યુશનમા ગયો હતો. જયા શિક્ષિકા નીરાલીબેને તેને ગરમ તાવીથા વડે ડાબા પગના સાથળ ઉપર ડામ દીધા છે. જેથી યુવાન આ બાબતે નીરાલીબેનના ઘરે ઠપકો આપવા ગયો હતો. યુવાને શિક્ષિકા નીરાલીબેનને પૂછયુ હતું કે, આ નાના દીકરાને કેમ ડામ આપેલ છે? જે સાંભળી નિરાલીબેન એકદમ ઉશ્કેરાય ગયેલ અને કહેલ કે, છોકરો લખતો ન હતો જેથી મેં આવુ કર્યું છે, તેમ છતા તમારે જે કાઇ કરવુ હોય તે કરી લો તેમ કહી જેમફાવે તેમ બોલવા લાગ્યા હતાં.
શિક્ષિકા નીરાલીબેને ચાર વર્ષના માસુમ બાળકને તાવીથા વડે ડામ આપતાં બાળકને સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ આ અંગે વિશાલભાઇ યાદવની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.