BREAKING NEWS

રાજકોટ એરપોર્ટ-અમદાવાદમાંથી ઝડપાયેલા 280 કિલો શંકાસ્પદ ચાંદીમાં ટેકસ ચોરીની શંકા

  • May 18, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી ૧૮૦ કિલો ચાંદી ઝડપાયા બાદ અમદાવાદમાંથી રાજકોટ આવતું વધુ ૧૦૦ કિલો ચાંદી ઝડપાઇ હતી. ૧૨ કલાકમાં કુલ આઠ કરોડની ચાંદી ઝડપાઇ હતી. રાજકોટ અને અમદાવાદ વચ્ચ ઝડપાયેલા ચાંદીમાં કોઇ કનેકશન છે કે કેમ? તેમજ આ ટેકસ ચોરીનો મામલો છે કે કેમ? તે અંગે સ્ટેટ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે.


ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજકોટ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું બિનહિસાબી ચાંદી ઝડપી પાડ્યું છે. એર કાર્ગો મારફતે લવાયેલા અંદાજે 180 કિલોગ્રામ ચાંદીના જથ્થા સાથે એક સ્થાનિક વેપારીની અટકાયત કરવામાં આવી છે. બજારમાં આ ચાંદીની કિંમત આશરે રૂ. 5 કરોડ હોવાનું મનાઇ રહ્યું છે.


ગુજરાત એટીએસને અત્યંત ગોપનીય માહિતી મળી હતી કે એર કાર્ગો (હવાઈ માર્ગ) મારફતે રાજકોટ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ચાંદીનો શંકાસ્પદ જથ્થો આવી રહ્યો છે, જે રાજકોટના જ એક સ્થાનિક આસામીને ડિલિવરી આપવાનો છે. માહિતીની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એટીએસની એક ટીમ તાત્કાલિક રાજકોટ જવા રવાના થઈ હતી અને રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચને પણ એલર્ટ કરી ઓપરેશનમાં સાથે જોડી હતી.


એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર વોચ ગોઠવીને ચાંદીનો આ મોટો જથ્થો સ્વીકારવા આવેલા સ્થાનિક વ્યક્તિને લીધો હતો. તેની હાજરીમાં જ એર કાર્ગોના પાર્સલ ખોલીને તપાસ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પાર્સલમાંથી અંદાજે 180 કિલોગ્રામ ચાંદી મળી આવ્યું હતું.


જ્યારે પોલીસે પકડાયેલા વ્યક્તિ પાસે ચાંદીના આ કન્સાઇનમેન્ટને લગતા કાયદેસરના કાગળો અને બિલની માંગણી કરી, ત્યારે તપાસ દરમિયાન તમામ દસ્તાવેજો અધૂરા અને શંકાસ્પદ જણાયા હતા. પ્રાથમિક તપાસમાં આ આખો મામલો મોટા પાયે જીએસટી અને ટેક્સ ચોરીનો હોવાનું સામે આવી રહ્યું છે.


બીજી તરફ સ્ટેટ જીએસટીની ટીમે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસમાં ચાંદીની ગેકરાયદે હેરાફેરી થતી હોવાની બાતમી પરથી બપોરના સમયે ગીતામંદિર પાસે વોચ ગોઠવી એક શખસ પાસે રહેલા કોથળાની તપાસ કરતા ૧૦૦ કિલો ચાંદી મળી આવી હતી. આ ચાંદીના જથ્થા પૈકી ૮૦ ટકા ચાંદીના જથ્થાનુ કોઇ પાકું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજ મળ્યા નથી. સ્ટેટ જીએસટીએ આ જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે.


રાજકોટમાં મળેલી ચાંદીમાં વારાણસી કનેકશન

રાજકોટમાં ચાંદીનો આ વિશાળ જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો. વારાણસીની 'સનરાઈઝ પેઢી' નામના વેપારી દ્વારા આ જથ્થો મોકલાયો હોવાનું ખૂલ્યું છે. આ જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા ચાંદીના વેપારીનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application