BREAKING NEWS

ચીનની કોલસાની ખાણમાં પ્રચંડ બ્લાસ્ટ: 90 મજૂરો હોમાયા, 9 હજુ પણ ગુમ; બ્લાસ્ટ પહેલાં મળ્યું હતું ગેસ એલર્ટ

  • May 23, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનના શાનક્સી પ્રાંતમાં આવેલી એક અતિ વ્યસ્ત કોયલાની ખદાન (કોલસાની ખાણ) માં શુક્રવારે એક ભીષણ અને દર્દનાક બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯૦ શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૯ મજૂરો હજી પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. વિસ્ફોટ થયો તે સમયે જમીનની અંદર સેંકડો ફૂટ ઊંડે ૨૪૭ મજૂરો કામ કરી રહ્યા હતા. આ ઘટનાને ચીનના ઇતિહાસમાં છેલ્લા એક દાયકાની સૌથી મોટી ખદાન દુર્ઘટના માનવામાં આવી રહી છે.


ચીનની સરકારી સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ ના અહેવાલ મુજબ આ ભયાનક વિસ્ફોટ રાજધાની બેઇજિંગથી આશરે ૫૨૦ કિલોમીટર દૂર આવેલા શાનક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટી (Qinyuan County) માં થયો હતો.


દુર્ઘટનાનું મુખ્ય કારણ
પ્રાથમિક તપાસ અને સરકારી અહેવાલો અનુસાર, બ્લાસ્ટ થતાં પહેલાં જ ખાણની અંદર ઝેરી અને અતિ જ્વલનશીલ એવી કાર્બન મોનોક્સાઇડ ગેસ (Carbon Monoxide) લીક થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, આ ચેતવણી બાદ શ્રમિકો બહાર નીકળે તે પહેલાં જ અંદર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. ગુફા જેવી લાંબી ખદાનમાં ધડાકો થવાને કારણે અંદર કામ કરી રહેલા ૨૪૭ મજૂરોમાંથી મોટાભાગના લોકો કાટમાળ અને ઝેરી ધુમાડામાં ફસાઈ ગયા હતા. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ ૯૦ લોકોના જીવ બચાવી શકાયા નથી.


રાષ્ટ્રપતિ શી જિનપિંગના કડક આદેશો
આ ભયાનક હોનારત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાષ્ટ્રપતિ જિનપિંગે બચાવ ટુકડીઓને આદેશ આપ્યા છે કે ગુમ થયેલા ૯ મજૂરોને શોધવા માટે આકાશ-પાતાળ એક કરીને તમામ પ્રયાસો કરવામાં આવે. આ સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે કોઈ પણ અધિકારી કે મેનેજમેન્ટની બેદરકારીના કારણે આ ઘટના બની છે, તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ચીનના નાયબ વડાપ્રધાન ઝાંગ ગુઓકિંગે પોતે ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરીની કમાન સંભાળી છે.


શાનક્સીમાં વારંવાર થતા અકસ્માતો

શાનક્સી પ્રાંત એ ચીનનો સૌથી મોટો કોલસો ઉત્પાદન કરતો વિસ્તાર છે. ચીન સરકાર દર વર્ષે દાવો કરે છે કે તેમણે ખાણોમાં સુરક્ષાના નિયમો કડક કર્યા છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે:


ફેબ્રુઆરી ૨૦૨૩: ઇનર મંગોલિયાની કોલસાની ખાણમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાથી ૫૩ મજૂરો જીવતા દફનાઈ ગયા હતા.
ગયો મહિનો: શાનક્સીના જ લુલિયાંગ વિસ્તારમાં ખાણ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા.


કુદરતી આફતો સામે પણ એલર્ટ
રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ સરકારી વિભાગો અને રાજ્યોને આ અકસ્માતમાંથી બોધપાઠ લેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં ચીનમાં ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી પૂર (Flood) અને અન્ય કુદરતી આપત્તિઓનું જોખમ વધારે છે. તેથી, ભવિષ્યમાં આવી મોટી માનવસર્જિત કે કુદરતી હોનારતો ટાળવા માટે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application