BREAKING NEWS

કાલથી રાજ્યના 31 જિલ્લામાં મિનિસ્ટરોની હાજરીમાં સ્વદેશી મેળા

  • December 10, 2025 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી આગામી તારીખ 23 સુધી રાજ્યના 31 જિલ્લાઓમાં સ્વદેશી મેળાનું આયોજન સરકારે કર્યું છે અને તેમાં કયા જિલ્લામાં કયા મિનિસ્ટર હાજર રહેશે તેની પણ સૂચના બહાર પાડી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રામલીલા મેદાન ખાતે આવતીકાલથી યોજાનારા સ્વદેશી લોકમેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે. જ્યારે વડોદરા ખાતે આકોટા સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુકલ ઉપસ્થિત રહેશે.

રાજકોટમાં તારીખ 16 થી આવો મેળો શરૂ થશે અને નાના મવા સર્કલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ માં યોજાનારા આ મેળા નું ઉદઘાટન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી કરશે. અમરેલીમાં સિનિયર સિટીઝન પાર્ક ખાતે તારીખ 20 થી યોજનાર મેળા નું ઉદઘાટન પણ જીતુભાઈ વાઘાણી કરશે.

પોરબંદર ખાતે બીરલા હોલમાં તારીખ 19થી મેળો યોજાશે અને તેનું ઉદ્ઘાટન કુવરજીભાઈ બાવળીયા કરશે. જામનગરમાં જેએમસી ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક ખાતે અને દેવભૂમિ દ્વારકામાં ગાંધી પીય ગ્રાઉન્ડ સર્કિટ હાઉસ નજીક મેળો યોજાશે અને તેનું ઉદ્ઘાટન અર્જુનભાઈ મોઢવાડિયા કરશે.

જૂનાગઢમાં સરદાર બાગ નજીક આવેલા ઝાંસીની રાણી સર્કલ ખાતે યોજાનારા લોકમેળાનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા ના હસ્તે રાખવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે ચોપાટી ગ્રાઉન્ડમાં તારીખ 21 થી મેળો યોજાશે અને તેનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપુત કરશે. ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં યોજાનાર મેળા નું ઉદઘાટન રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા કરશે઼ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં યોજાનારા સ્વદેશી મેળાનું ઉદઘાટન રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા કરશે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા ભાવનગર ખાતે જવાહર મેદાનમાં યોજનારા મેળાનું ઉદઘાટન કરશે. મોરબીમાં એલઈ કોલેજ ખાતે મેળો યોજાશે અને તેનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા કરશે. બોટાદ જીલ્લાનો મેળો કષ્ટભંજન મંદિર કેમ્પસ સાળંગપુર ખાતે યોજાશે અને તેનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application