BREAKING NEWS

રાજકોટમાં જાણીતા અર્જુન જ્વેલર્સમાં ITના વિભાગના ડેરાતંબુઃ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સર્વે

  • May 14, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગે ફરી એકવાર લાલ આંખ કરી છે. શહેરના મવડી મેઈન રોડ પર આવેલા ખ્યાતનામ સોનાના શોરૂમ 'અર્જુન જ્વેલર્સ' પર ઈન્કમ ટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રાતથી શરૂ થયેલી આ તપાસને પગલે રાજકોટના સોની બજાર અને મોટા વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓ મોટી સંખ્યામાં કાફલા સાથે અર્જુન જ્વેલર્સના શોરૂમ પર ત્રાટક્યા છે. છેલ્લા 12 કલાકથી વધુ સમયથી અધિકારીઓ શોરૂમમાં ડેરાતંબુ નાખીને બેઠા છે. તપાસ દરમિયાન શોરૂમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિને અંદર આવવા કે બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્વેલર્સના મનિશભાઈ સહિત આઠ પાર્ટનરો અને મેનેજમેન્ટની હાજરીમાં તમામ નાણાકીય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.


આઈટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, અર્જુન જ્વેલર્સ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોમાં વિસંગતતા હોવાની શંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જ્વેલર્સના છેલ્લા કેટલાક વર્ષોના આવક અને જાવકના હિસાબો, સ્ટોક રજિસ્ટર અને બેંક વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સોના-ચાંદીના વેચાણમાં કાચા અને પાકા બિલો વચ્ચેના તફાવત તેમજ મોટી રોકડ રકમના વ્યવહારો પર વિભાગની નજર છે. આ તપાસના અંતે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને મોટી ટેક્સ ચોરી બહાર આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.


દરોડા દરમિયાન અધિકારીઓએ શોરૂમમાંથી મહત્વના દસ્તાવેજો, ડાયરીઓ અને કમ્પ્યુટરમાં રહેલો ડિજિટલ ડેટા કબજે કર્યો છે. સોફ્ટવેરમાં એન્ટ્રી વગરના કોઈ સોદા થયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મવડી વિસ્તારમાં અર્જુન જ્વેલર્સની મોટી શાખ હોવાથી આ સમાચાર વાયુવેગે પ્રસરતા અન્ય જ્વેલર્સ પણ સાવધ થઈ ગયા છે. હાલમાં સર્વેની કામગીરી હજુ પણ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે કેટલી રકમની ટેક્સ ચોરી પકડાઈ છે તેની વિગતો જાહેર કરવામાં આવશે. રાજકોટમાં અવારનવાર થતા આઈટીના આવા દરોડાઓને કારણે ટેક્સ ચોરી કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application