સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ઠગાઈના એક મસમોટા નેટવર્કને તોડી પાડવામાં સફળતા મેળવી છે. આ ઓપરેશનમાં જામતારા ગેંગના તાર સુરત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, લોકોના ખાતા ખાલી કરવાના આ ખેલમાં એક સિવિલ એન્જિનિયર મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો છે.
કેવી રીતે ફસાય છે સામાન્ય માણસ?
આ ગેંગ લોકોના વોટ્સએપ પર 'Digital RTO E-Challan.APK' નામની એક ફાઈલ મોકલે છે. લોકોને લાગે છે કે તેમનું ટ્રાફિક ચલણ ફાટ્યું છે, અને જેવી તેઓ આ ફાઈલ ડાઉનલોડ કરે છે, કે તરત જ યુઝરનો મોબાઈલ સંપૂર્ણપણે હેકર્સના તાબામાં આવી જાય છે. ત્યાર બાદ હેકર્સ રિમોટલી તમારા મેસેજ વાંચી શકે છે, જેથી બેંક ટ્રાન્ઝેક્શનના OTP સીધા તેમના સુધી પહોંચી જાય છે. તમારી જાણ બહાર ટુકડે-ટુકડે ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જાય છે.
૫ લાખની ઠગાઈથી ખુલ્યો કૌભાંડનો પાયો
આ કૌભાંડનો ભોગ સુરતના એક યુવાનનો મિત્ર બન્યો હતો. ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ એક અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ યુવાનના પિતાના ખાતામાંથી રૂ. ૫,૦૨,૫૬૨ ઉપડી ગયા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ નાણાં સુરતની એક ટોળકી પાસે પહોંચ્યા હતા.
૧૦% કમિશન અને ‘બ્લેક ટુ વ્હાઇટ’ નો ખેલ
ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એક સિવિલ એન્જિનિયર છે. આ ટોળકી જામતારા ગેંગ માટે ‘મની લોન્ડરિંગ’નું કામ કરતી હતી. જામતારા ગેંગ જે લોકોના ખાતા સાફ કરતી, તે નાણાં આ સુરતી યુવાનોના અલગ-અલગ ખાતામાં આવતા. આ નાણાં ઉપાડીને ગેંગ સુધી પહોંચાડવા માટે તેઓ ૧૦% ફિક્સ કમિશન લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૨૨૭ ક્રેડિટ કાર્ડ અને આશરે ૯૨.૫૩ લાખ ના ટ્રાન્ઝેક્શનની વિગતો શોધી કાઢી છે.