ધી જી.પી.એમ.સી.એક્ટ અને ટી.પી.એક્ટ અંતર્ગત કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કે જાહેરાત કર્યા વિના, સુચના કે તાકીદ કર્યા વિના તેમજ નોટિસ આપ્યા વિના આજે રાજકોટમાં ડો.યાજ્ઞિક રોડ ઉપર રાજકોટ મહાપાલિકાની ટીપી બ્રાન્ચ દ્વારા સુરત જેવું ભૂતિયું મિની ડિમોલિશન કરીને સાતેક કોમ્પલેક્ષની રેલીંગ હટાવવાનો રોડ શો યોજવામાં આવતા દુકાનદારો અને શો રૂમ ધારકોમાં દેકારો બોલી ગયો હતો. ખાસ કરીને યાજ્ઞિક રોડ ઉપરથી પાથરણા વાળા તેમજ લારી ગલ્લા ધારકોના દબાણો હટાવવામાં નિષ્ફળ મહાપાલિકા તંત્ર દ્વારા દુકાનદારોએ પાથરણા વાળા ફેરિયાઓ ન બેસે તે માટે બનાવેલી રેલીંગ દૂર કરતા તંત્ર ઉપર ફિટકાર વરસ્યો હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ડો.યાજ્ઞિક રોડ ઉપરના વિવિધ કોમર્શિયલ બિલ્ડીંગ્સમાં માર્જીન પાર્કિંગ સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવી પાર્કિંગ ઝીરો લેવલ કરાવવા માટે ટીપી બ્રાન્ચ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી જે અંતર્ગત બિઝનેસ ટર્મિનલ,ઓર્બિટ એન્કલેવ, માધવ કોમ્પલેક્ષ, શક્તિ આર્કેડ, નાથ લિગસી, નાથ કોમ્પલેક્ષ સહિતના સાત કૉમ્પ્લેક્સ બહાર પાર્કિંગની જગ્યામાંથી રેલીંગ,બોર્ડ વિગેરે દુર કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કામગીરીમાં સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખાનો સ્ટાફ, દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા ફાયર ડીપાર્ટમેન્ટનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.