BREAKING NEWS

ગુજરાતની માતૃવંશીય આનુવંશિકતા 40,000 વર્ષથી સ્થિર હોવાનો અભ્યાસમાં થયો ખુલાસો

  • January 06, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતની વસ્તી વિશેના એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલ્યું છે કે અહીંની માતૃવંશીય (માતૃપક્ષીય) આનુવંશિકતા લગભગ 40,000 વર્ષથી મોટા ફેરફાર વિના ટકી રહી છે. આ અભ્યાસ મુજબ, છેલ્લા હિમયુગ, નિયોલિથિક કૃષિ સંક્રમણ અને હડપ્પા સંસ્કૃતિના ઉદય–પતન જેવા ઐતિહાસિક તબક્કાઓ છતાં, ગુજરાતની મૂળ વસ્તીમાં સતત સ્થાનિક આનુવંશિક આધાર જળવાઈ રહ્યો છે.


ભારત અને વિદેશની નવ સંસ્થાઓના કુલ 16 સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં ગુજરાતના લોકોના 168 ડીએનએનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં યુરેશિયા અને દક્ષિણ એશિયાના કુલ 529 જનીન સિક્વન્સનો સમાવેશ થયો હતો. સંશોધન મુજબ, કુલ ડીએનએ હેપ્લોટાઇપ્સમાંથી આશરે 76 ટકા દક્ષિણ એશિયાના અથવા સ્થાનિક મૂળના હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે આ અભ્યાસને પ્રદેશની પ્રાચીન આનુવંશિક રચનાનો એક વ્યાપક અભ્યાસ માનવામાં આવે છે.


અભ્યાસમાં દર્શાવ્યા મુજબ, બાકીના 24 ટકા હેપ્લોટાઇપ્સમાંથી અંદાજે 21 ટકા પશ્ચિમ યુરેશિયાના અને માત્ર 0.6 ટકા પૂર્વ યુરેશિયાના છે. વધુમાં, પશ્ચિમ યુરેશિયન જનીનોમાંથી લગભગ 19 ટકા છેલ્લા 5,000 વર્ષ દરમિયાન પ્રદેશમાં આવ્યા હોવાનું અનુમાન છે. કુલ મળીને, ગુજરાતમાંથી મળેલા લગભગ 81 ટકા જનીનો કથિત મેદાની સ્થળાંતર પહેલાંના હોવાનું સંશોધકોનું માનવું છે.


દેસાઈ, મોહમ્મદ એચ.એમ. અલ્કૈસી અને પ્રજ્જવલ પ્રતાપ સિંહ સહિતના સંશોધકો દ્વારા લખાયેલો આ અભ્યાસ ‘મૅટર્નલ જિનેટિક ઍન્સ્ટ્રેસ્ટ્રી ઑફ ગુજરાત: અ પ્લેઇસ્ટોસીન પેસેજ ટુ ઇન્ડિયા’ શીર્ષક હેઠળ અમેરિકન જર્નલ ઑફ બાયોલોજિકલ એન્થ્રોપોલોજીના નવીનતમ સંસ્કરણમાં પ્રકાશિત થયો છે.


આ અભ્યાસની મહત્વપૂર્ણ શોધ એ છે કે આનુવંશિક દૃષ્ટિકોણથી આર્યન આક્રમણ સિદ્ધાંતને સમર્થન મળતું નથી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના મુખ્ય લેખક દેસાઈએ જણાવ્યું કે, કથિત ભારત-આર્યન સમયગાળા દરમિયાન નોંધપાત્ર માતૃવંશીય જનીન પ્રવાહ અથવા વસ્તીસ્તરે ઉથલપાથલના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, યુરોપમાં જોવા મળતા મોટા પાયે આક્રમણ અને વસ્તી બદલાવની તુલનામાં, ગુજરાતના સંદર્ભમાં હજારો વર્ષોથી નાના અને સતત જનીન પ્રવાહના તરંગો જોવા મળે છે. આ પ્રદેશની માતૃવંશીય આનુવંશિકતા વિજય કે રિપ્લેસમેન્ટ નહીં, પરંતુ એક મજબૂત અને સતત સ્વદેશી આધારને પ્રતિબિંબિત કરે છે.


સંશોધકોના મતે, આ અભ્યાસ ગુજરાત અને સમગ્ર દક્ષિણ એશિયાની પ્રાચીન વસ્તીગત ગતિશીલતા સમજવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને પ્રદેશના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વિકાસને નવા વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application