BREAKING NEWS

રાજકોટ રાત્રે રક્તરંજીત બન્યુંઃ પત્ની સાથેના ઝઘડામાં જમાઈએ પત્નીના નાનાનું ઢીમ ઢાળી દીધું

  • June 14, 2026 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પારિવારિક અણબનાવના કારણે એક પતિએ ગુસ્સામાં આવીને પોતાની પત્નીના નાનાનું ઢીમ ઢાળી દીધું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવી છે. આ હુમલામાં પત્નીના નાનાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે મૃતકની પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વેરાવળનો રહેવાસી વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અણબનાવ એટલી હદે વણસી ગયો હતો કે પત્ની વિવેક સાથે રહેવાની સતત ના પાડતી હતી. ગઈકાલે મોડી રાત્રે વિવેક સીધો જ પત્નીના નાના પ્રવીણભાઇ શાહના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને તેણે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ આવેશમાં આવીને પોતાની પાસે રહેલી છરી વડે પ્રવીણભાઇ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. છરીના આડેધડ ઘા વાગતા પ્રવીણભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં વચ્ચે પડેલા પ્રવીણભાઈના પત્નીને પણ આરોપીએ નિશાન બનાવ્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે.

હુમલાખોર વિવેક ગોસ્વામી છેલ્લા ઘણા સમયથી પત્ની પર પોતાની સાથે ચાલવા માટે દબાણ કરી રહ્યો હતો. પત્ની વારંવાર ના પાડતી હોવાથી તે અવારનવાર તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. પારિવારિક વિવાદને કારણે પત્ની તેના પિયરમાં રહીને સુરક્ષિત અનુભવતી હતી, પરંતુ વિવેકની માનસિકતા અને ધમકીઓને કારણે પરિવાર સતત ભયના ઓથા હેઠળ જીવી રહ્યો હતો.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, અગાઉ પણ વિવેક દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને પરિવાર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષણ મેળવવા માટે લેખિત અરજી કરવામાં આવી હતી. જોકે, કમનસીબે પોલીસ સુરક્ષા મળે તે પહેલા જ આરોપીએ આ લોહીયાળ ઘટનાને અંજામ આપી દીધો છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ફરાર આરોપી વિવેક ગોસ્વામીને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો દ્વારા સઘન તપાસ અને નાકાબંધી હાથ ધરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ જ આ હત્યા પાછળના અન્ય કારણોનો વધુ ખુલાસો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application